ભુજ - કચ્છ , 9 જુલાઈ (હિ.સ.) કચ્છમાં વાહનવ્યવહારનું ભારણ વધ્યું છે ત્યારે જિલ્લાના પ્રવેશદ્વાર સમા સામખિયાળી માળિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ લેનનો કરવાની અનિવાર્યતા ઉભી થઇ છે. કચ્છમાં આવેલા દેશના બે મહાબંદર ઉપરથી દેશની 40 ટકાથી વધુ આયાત-નિકાસ થઈ રહી છે. વિવિધ ઉદ્યોગો જેવા કે ટિમ્બર, નમક, ખનિજ, સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ, કૃષિ ઉત્પાદનો ઉપરાંત મોરબીના સિરામિક ઉત્પાદન અને અનેક ચીજવસ્તુઓની કન્ટેનરાઈઝ્ડ નિકાસથી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશનો મહત્ત્વપૂર્ણ લોજિસ્ટિક રૂટ તરીકે ઊભરી આવ્યો છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ મામલે સિક્સલેન પ્રોજેક્ટ ઉપર ધ્યાન અપાય તેવી રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ કરી હતી.
પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર
દીનદયાલ પોર્ટ ખાતે આકાર લઈ રહેલા મેગા કન્ટેનર ટર્મિનલ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ તથા આગામી એસ.ઈ.ઝેડ.નું વિસ્તરણ, બંદર આધારિત ક્લસ્ટર્સ અને મોટા પાયે લોજિસ્ટિક પાર્કના વિકાસ સાથે આ ધોરી માર્ગ પર પ્રતિદિન ટ્રાફિકમાં વૃદ્ધિ થઇ રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) હાલમાં તૈયાર છે. આ પ્રકલ્પ ઝડપથી પૂર્ણ કરી આ મહત્ત્વપૂર્ણ માર્ગને છ માર્ગીય બનાવવા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
રોજ 20થી 25 હજાર કોમર્શિયલ અને પેસેન્જર વાહનોની આવ-જા
ચેમ્બરના કારોબારી સમિતિના સભ્ય અને ટ્રાન્સપોર્ટ તથા લોજિસ્ટિક ક્ષેત્રના અગ્રણી હરીશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કચ્છને ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના તમામ રાજ્યો સાથે જોડતો આ એકમાત્ર રાષ્ટ્રીય ધોરી માર્ગ હોવાના કારણે હાલ દરરોજ 20થી 25 હજાર જેટલા કોમર્શિયલ અને પેસેન્જર વાહનો પસાર થાય છે, જેથી ટ્રાફિકના અતિ ભારણના કારણે દર અઠવાડિયે બેથી ચાર જીવલેણ અકસ્માત થાય છે. અનેક કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે, જેથી માત્ર લોજિસ્ટિક વિક્ષેપ જ નહીં, પરંતુ માનવ જિંદગીઓનું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
ટર્ન અરાઉન્ડ સમય ઓછો થશે.
ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, દેશના સતત વૃદ્ધિ કરી રહેલા આ મહત્ત્વપૂર્ણ કોરિડોરને જોડતા આ નેશનલ હાઇવેને છ માર્ગીય કરવાથી આ રોડની પરિવહન ક્ષમતા વધશે. ટર્ન અરાઉન્ડ સમય ઓછો થશે અને લોકોની સુવિધામાં, પ્રવાસન-ઉદ્યોગોમાં વધારો થવા સાથે ઉદ્યોગોની કાર્યક્ષમતા વધશે અને કોરિડોરમાં વેરહાઉસિંગ, ટૂરિઝમ તથા સલગ્ન ક્ષેત્રોમાં વધુ રોકાણો આકર્ષિત કરી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA