પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા સબ જેલમાં હત્યાના કેસમાં કેદ ભાણજી ઉર્ફે રમેશજી અમરાજી ઠાકોર 1 મે 2014ના રોજ સવારે 7:30 વાગ્યે દૈનિક ક્રિયા માટે બેરેકમાંથી બહાર નીકળ્યા બાદ પોલીસની નજર ચૂકવી બાથરૂમ ઉપરના વરંડા પરથી કૂદીને જેલમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેને જેલ ફરાર જાહેર કરાયો હતો.
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડાના વતની અને હાલ અમદાવાદના ધોળકાના વાદીના ટેકરા વિસ્તારમાં રહેતા આરોપી સામે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 (હત્યા) અને 224 (જેલ ફરાર) હેઠળ ગુના નોંધાયેલો છે. પાટણ પોલીસના પેરોલ ફર્લો સ્કવોડે એસપી વી.કે. નાયકના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ એનાલિસિસ અને માનવ સ્રોતોના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી ફરાર રહેવા માટે પોતાનું નામ બદલીને હેવી વ્હીકલ ડ્રાઈવર તરીકે અલગ-અલગ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો અને માલવાહક ટ્રક ચલાવીને આખા ભારતમાં ફરતો હતો. આખરે પાટણ પોલીસે તેને અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. હાલ તેને બોમ્બે નેશનલ સિક્યુરિટી એક્ટની કલમ 35(1)(જે) હેઠળ અટકમાં રાખી, બાકી રહેલી સજા ભોગવવા માટે પાટણ સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર