પાટણ, 9 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં સામાન્ય વરસાદ પછી ઠેર ઠેર પડેલા ખાડાઓ અને નગરપાલિકાના કથિત ભ્રષ્ટાચાર સામે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસે આજે જોગીવાડા ખાતે ‘ખાડામાં ખાટલા’ બેઠક યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન ખાડાઓમાં ખાટલા મૂકી કોંગ્રેસના કાર્યકરો બેઠા હતા અને ભાજપના ઝંડા ઊંધા લટકાવી નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસના કાર્યકરો દ્વારા હાય રે ભ્રષ્ટાચાર, હાય રે ભાજપ, હાય રે પાલિકા, હાય રે ચીફ ઓફિસર જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું કે રસ્તાઓ સુધરશે નહીં ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ આરોપ મૂક્યો કે ભાજપના ભ્રષ્ટાચારના કારણે પાટણ આજે ખાડા નગરી બની ગયું છે. તેમણે ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક ખાડાઓનું પુરાણ નહીં થાય તો પાલિકામાં તાળાબંધી કરીને કોંગ્રેસ પોતે ખાડા પૂરી દેશે.
શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે માત્ર થોડો વરસાદ પડ્યો હોવા છતાં શહેરના રસ્તાઓ ખસ્તાહાલ બની ગયા છે અને ગંદકી વધતાં મચ્છરજન્ય રોગચાળાની ભીતિ ઊભી થઈ છે. તેમણે જણાવ્યું કે જો તંત્ર નહીં જાગે તો લોકફાળો એકત્રીત કરીને પણ ખાડા પૂરા કરવાની તૈયારી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર