જામનગર/ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના જામેલા વરસાદી માહોલ વચ્ચે ગીચ એવા પટ્ટણીવાડ વિસ્તારમાં એક જુનવાણી જર્જરિત મકાન ધરાશાયી થઈ જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જો કે, સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી. આ મકાનના કાટમાળમાં વિશેક લોકો ફસાયા હોય જેને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ લત્તાવાસીઓએ સહી સલામત બહાર કાઢી લીધા હતા.
મળતી માહિતી મુજબ, પટ્ટણીવાડ વિસ્તારમાં મંગળવારે રાત્રે એક જુનવાણી મકાન ધરાશાઈ થયું હતું. સદભાગ્યે લાકડાના પીઢિયા વગેરે પડયા ત્યારે તે હિસ્સામાં કોઈ હાજર ન હોવાના કારણે કોઈ જાનહાની થઈ ન હતી. આસિફ પંજા પરિવારના મકાનમાં છ થી વધુ ભાડુઆતો રહેતા હતા, જ્યારે પાછળના ભાગમાં ઉપરના માળે લોકો ફસાયેલા હતા. મકાનમાં ફસાયેલા 20થી વધુ ભાડુઆતોને એક પછી એક સહી સલામત રીતે ફાયર બ્રિગેડની ટુકડી અને લોકોએ ઉતારીને બહાર કાઢી લીધા હતા. જેથી સમગ્ર ઘટનામાં જાનહાનીનો બનાવ બન્યો ન હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ