જયપુર/બીકાનેર, નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.). રાજસ્થાનના ચુરુમાં રાજલદેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન જગુઆર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં બે લોકોના મોતની આશંકા છે.
ચુરુના એસપી જય યાદવે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, વાયુસેનાનું ટ્વીન-સીટર ફાઇટર પ્લેન જગુઆર, બુધવારે બપોરે રાજલદેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાણુડા ગામમાં ક્રેશ થયું હતું. આમાં બે લોકોના મોત થયા છે. રાજલદેસર પોલીસને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કાટમાળ પાસે ખરાબ રીતે વિકૃત મૃતદેહોના ટુકડા મળી આવ્યા છે. ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. માનવ અંગો સહિત વિમાનના ટુકડા પણ વિવિધ સ્થળોએ વિખરાયેલા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. લગભગ 200 ફૂટના વિસ્તારમાં વિવિધ સ્થળોએ વિમાનના સળગતા ટુકડા પડ્યા છે. સેના અને સ્થાનિક વહીવટીતંત્રે મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. સેનાની બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી રહી છે.
ભારતીય સેના, વાયુસેના અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો અકસ્માત બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે પાયલોટ સુરક્ષિત છે કે નહીં. શું અકસ્માતનું કારણ ટેકનિકલ ખામી હતી કે, અન્ય કોઈ કારણ હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સંરક્ષણ મંત્રાલય દ્વારા તપાસના આદેશો પણ આપી શકાય છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંદીપ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ