સુરત, 9 જુલાઈ (હિ.સ.)- શહેરના પાંડેસરા વિસ્તારમાં ગીતા નગર ખાતે આવેલ જય અંબે જવેલર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરોએ દુકાનની પાછળ આવેલ દિવાલમાં બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી સોના ચાંદીના રૂપિયા 2.96 લાખના દાગીના તથા રોકડા રૂપિયા 16,000 મળી કુલ રૂપિયા 3.12 લાખની ચોરી કરી અજાણ્યા ઇસમો પલાયન થઈ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર મહિલાએ આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ યુપી બનારસના વતની અને હાલમાં સુરતમાં પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વરાજ નગરમાં રહેતા 53 વર્ષીય સુષ્માબેન સ્વ. પ્રેમશંકર કૈલાસ સોની એ ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં સુષ્માબેન લખાવ્યું હતું કે ગત તારીખ 7/7/2025 ના રોજ રાત્રે 9 વાગ્યાથી તારીખ 8/7/2025 ના રોજ સવારે 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન પાંડેસરા ગીતા નગરમાં તેરેનામ રોડ પર આવેલ જય અંબે જવેલર્સ નામની દુકાન બંધ હતી. આ સમયે કોઈ અજાણ્યાચોર ઈસમે રાત્રે દુકાનની પાછળની દીવાલમાં બાકોરૂ પાડી ત્યાંથી દુકાનમાં પ્રવેશ કરી રૂપિયા 2.96 લાખના સોનાના દાગીના તથા રૂપિયા 16000 રોકડા મળી રૂપિયા 3.12 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવને પગલે સુષ્માબેનની ફરિયાદના આધારે પોલીસે પાંડેસરા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ઘર ફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે