સુરત, 9 જુલાઈ (હિ.સ.)- શહેરના સરથાણા વિસ્તારમાં રહેતો રત્નકલાકાર પોતાની કાર લઈને પાસોદરા ગામમાં આવેલ ઓમ ટાઉનશીપ ખાતે કામ અર્થે તેના પિતા સાથે ગયો હતો. ત્યાં તેણે પોતાની કાર એક એપાર્ટની બહાર રોડ પર પાર્ક કરી રાખી હતી. આ દરમિયાન બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને કાર ચાલક યુવક અને તેના પિતાને અહીં ગાડી કેમ પાર્ક કરી છે તેમ કહીને ગાળો આપી ઢીક મુક્કીનો ઢોર માર માર્યો હતો અને બેટ તથા પથ્થરથી કારના કાચ પણ તોડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ભોગ બનનાર યુવકે આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ જૂનાગઢ જિલ્લાના વતની અને સુરતમાં સરથાણા વિસ્તારમાં સીમાડા ગામમાં સ્વામિનારાયણ નગર ખાતે આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં રહેતા હિરેનભાઈ બાલુભાઈ સોલંકી રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. ગત તારીખ 7/7/2025 ના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં હિરેનભાઈ તથા તેના પિતા પાસોદરા ગામ ઓમ ટાઉનશીપ વિભાગ ચાર બિલ્ડીંગ નંબર માં કામ અર્થે આવ્યા હતા .જેથી તેઓએ પોતાની કાર બિલ્ડીંગ એ ની બહાર રોડ પર કાર પાર્ક કરી હતી. આ સમયે જાગૃતિ, જીલ સહિત કુલ બે મહિલા અને પાંચ પુરુષો અચાનક જ હિરેનભાઈના પિતા બાલુભાઇ પાસે ઘસી આવ્યા હતા અને બાલુભાઈને અહીં ગાડી કેમ પાર્ક કરી છે. તેમ કહીને હિરેનભાઈ ને એલ ફેલ ગાળો આપી હતી. આ ઉપરાંત તેના પિતા બાલુભાઇને ઢીક મૂકીને તથા બેટ વડે અને બેલ્ટ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત બેટ અને પથ્થરોથી આ તમામ લોકોએ ભેગા મળી ગાડીના કાચ તોડી નાખી પણ નુકસાન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ હિરેનભાઈ ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર હિરેનભાઈએ આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે રાયોટીંગ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે