ભારત બંધનાં સમર્થનમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા વિરોધ પ્રદર્શન
સુરત, 9 જુલાઈ (હિ.સ.)- આજરોજ સમગ્ર દેશમાં ટ્રેડ યુનિયન કાઉન્સીલ દ્વારા ભારત બંધનાં એલાનને પગલે સુરતમાં પણ હડતાળની અસર જોવા મળી હતી. પોસ્ટ ઓફિસથી માંડીને બેંકોમાં હડતાળને પગલે કામકાજને વિપરીત અસર જોવા મળી હતી. સુરત ટ્રેડ યુનિયન કાઉન્સીલ દ્વારા સૂત્રોચ
ભારત બંધનાં સમર્થનમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા વિરોધ પ્રદર્શન


સુરત, 9 જુલાઈ (હિ.સ.)- આજરોજ સમગ્ર દેશમાં ટ્રેડ યુનિયન કાઉન્સીલ દ્વારા ભારત બંધનાં એલાનને પગલે સુરતમાં પણ હડતાળની અસર જોવા મળી હતી. પોસ્ટ ઓફિસથી માંડીને બેંકોમાં હડતાળને પગલે કામકાજને વિપરીત અસર જોવા મળી હતી. સુરત ટ્રેડ યુનિયન કાઉન્સીલ દ્વારા સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટર કચેરી પહોંચીને વિવિધ માંગણીઓ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું. કામદારોનાં માસિક વેતન સહિત મોંઘવારી, લેબર કોડની સાથે - સાથે સરકારી એકમોનાં ખાનગીકરણ વિરૂદ્ધ યુનિયન દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કેન્દ્રમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતો અને કામદાર વિરોધી તથા કોર્પોરેટની તરફેણમાં ઘડવામાં આવેલી નીતિઓનાં વિરોધમાં આજે સમગ્ર દેશમાં કામદાર સંસ્થાઓ દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. સુરત ખાતે પણ ટ્રેડ યુનિયન કાઉન્સીલનાં સભ્યો દ્વારા હડતાળમાં જોડાવવાની સાથે જિલ્લા કલેકટર કચેરી સુધી મોરચો કાઢીને સૂત્રોચ્ચાર સાથે કેન્દ્રની નીતિઓની ઝાટકણી કાઢવામાં આવી હતી. આવેદન પાઠવવા માટે પહોંચેલા કાઉન્સીલનાં સભ્યોએ જણાવ્યું હતું કે, હાલમાં જે શ્રમ વિરોધી ચાર નવા લેબર કોડ લાગુ કરવામાં આવ્યા છે તે રદ્દ કરવામાં આવે. આ સિવાય જીઆઈસી, એલઆઈસી, બીએલએનએલ જેવાં જાહેર સાહસોનાં ખાનગીકરણ મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં, કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન માસિક 26 હજાર રૂપિયા કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. 17 જેટલી અલગ - અલગ માંગણીઓ સાથે કાઉન્સીલનાં સભ્યો દ્વારા ભારત બંધનાં એલાનને સમર્થન આપતાં જિલ્લા કલેકરટને આવેદન પાઠવી પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande