જામનગર/ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં આજે રાજપુત સમાજની એક વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં સમાજના અગ્રણી પી.ટી.જાડેજાની કરવામાં આવેલી ધરપકડ તથા તેમની સામે હાથ ધરવામાં આવેલી ’પાસા’ની કાર્યવાહી તેમજ સમાજને થતા અન્યાય અંગેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેકટર કેતન ઠક્કરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ રેલી અંગે મળતી માહિતી મુજબ, જામનગરમાં ક્રિકેટ બંગલો નજીક આવેલા મહારાણા પ્રતાપ સર્કલ પાસે સમાજ એકઠો થયો હતો. ત્યારબાદ સૌ પ્રથમ બાઈક રેલીનો પ્રારંભ થયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા અને જય ભવાની તેમજ ક્ષત્રિય સમાજ જીંદાબાદના નારા સાથે સ્કૂટર રેલી નગરના માર્ગો પર ફરીને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. ત્યારબાદ પગપાળા ચાલીને ક્ષત્રિય આગેવાનો અને બહેનો વગેરે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને મુખ્ય આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ