સુરત , 1 ઓગસ્ટ (હિ.સ.)- સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ થવાના
કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે. સુરતના પાંડેસરા ખાતે રહેતાં બ્રેઈનડેડ
થયેલા 41 વર્ષીય રાજુભાઇ ચૌધરીનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન
મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે 72મુ અંગદાન થયું છે.
મૂળ બિહારના અને સુરતના પાંડેસરા વિસ્તારમાં હરિ ઓમનગરમાં 3 બાળકો અને
પત્ની સાથે રહેતા રાજુભાઈ શિવપૂજન ચૌધરીને તા.26 જુલાઇની સાંજે સચિન GIDC કંપનીમાં
કામ દરમિયાન ખેંચ આવતા પડી ગયા હતાં. અને માથાના પાછળના ભાગે ઇજા થવાથી હોવાથી
બેભાન થયા હતા. 108 ઈમરજન્સી દ્વારા નવી સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં
પ્રાથમિક સારવાર બાદ સ્વસ્થ થતા ઘરે લઈ જવાયા હતા. તા.27 જુલાઈએ સાંજે અચાનક તબિયત
બગડવાથી 108 ઇમરજન્સી દ્વારા ફરી નવી સિવિલમાં લવાયા હતા. જ્યાં સારવાર બાદ ICU માં શિફ્ટ
કરવામાં આવ્યા હતા.
તા.૩૧મી જુલાઈએ વહેલી સવારે આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, પ્લાસ્ટિક
સર્જન ડૉ.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરોસર્જન
ડૉ.કેયુર પ્રજાપતિએ રાજુભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સોટોની ટીમના RMO ડૉ.કેતન નાયક, ગુજરાત
નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર
નિર્મલા કાથુડએ રાજુભાઈના પત્ની અને ભાઈને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે
અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. પત્ની, ભાઈ, બાળકો
સહિતના પરિવારે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. બે કિડની અને લીવર
અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નવી
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને
નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ
કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે