જામનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના ધુડશીયા અને નાના થાવરીયા ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ગામડાઓના વિકાસના કામો ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે અને લોકોના પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. ગામડાઓમાં શિક્ષણ, કૃષિ અને રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓને સુધારવા માટે સરકાર પૂરતી ગ્રાન્ટ ફાળવી રહી છે.
ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર ટેકાના ભાવે જણસની ખરીદી કરીને તેમને મદદ કરી રહી છે. આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયત સભ્ય ભાનુબેન, અગ્રણીઓ કુમારપાલસિંહ રાણા, ભરતસિંહ જાડેજા, સ્થાનિક સરપંચોઅને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT