મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કનોડા ગામે ખુલ્લા આખલાએ 88 વર્ષીય મહેતાલાલ પટેલ પર હુમલો કરતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. તેઓ રોજની જેમ ગામના જૈન મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં બેઠેલા આખલાએ અચાનક હુમલો કર્યો. શિંગડું સીધું શરીરમાં ઘૂસી જતા ગંભીર ઇજાઓ થઈ અને વધુ રક્તસ્ત્રાવ થવાથી તેમનો જીવ ગયા પહેલા બચી ન શક્યો.
મૃતકના પુત્રે ભારે દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, નસ તૂટી ગઈ, બ્લડિંગ થયું અને ત્યાં જ મરી ગયા… મેં તો મારા પિતાને ગુમાવ્યા. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા ગામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામપંચાયતના સરપંચ નીતિનભાઈએ જણાવ્યું કે, “ખુલ્લા આખલાઓને પાંજરાપોળમાં મોકલવા તાત્કાલિક કાર્યવાહી કરાશે અને પશુપાલન વિભાગને પણ જાણ કરાશે.” ગામલોકોએ પણ તાકીદે ઢોર પકડ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR