મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર રોડ પર આવેલા અર્બુદાધામ ખાતે ગૌમાતા અને ગૌસંસ્કૃતિના પ્રચાર માટે બે દિવસીય ગૌકથાનું ભવ્ય આયોજન થયું. મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ બલોલ વાલાના માર્ગદર્શન હેઠળ સંગીતમય શૈલીમાં યોજાયેલી આ ગૌકથામાં ભક્તોએ ગૌસેવા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. આવા આશય સાથે સમગ્ર ગુજરાતમાં કુલ ૧૦૮ ગૌકથાઓ યોજાનાર છે, જેનો આ પહેલો પડાવ છે.
આ ગૌકથાનું આયોજન અર્બુદાધામ ટ્રસ્ટ, ઓમ ગૌશાળા કમાલપુર તથા અન્ય ગૌસેવકોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું. મહંતશ્રીએ ગૌમાતાના vaidik અને આધ્યાત્મિક મહત્વની વિસ્તૃત સમજ આપી અને સમજાવ્યું કે ગાય માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી, પણ તે કુદરતી ખેતી, આયુર્વેદ અને સ્વસ્થ જીવનશૈલી માટે આધારશિલા છે. હાજર રહેલા પશુપાલકો અને ગામજનોને ગાય આધારિત ખેતી અને ગૌસેવા વિષે વિસ્તૃત માહિતી મળી.
કમાલપુરના અશ્વિનભાઈ ચૌધરી અને સિદ્ધપુરના યુવા જશુભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજના સમયમાં ગાયની સ્થિતિ દયનીય છે અને લોકોમાં ગૌમાતા માટે જાગૃતિ લાવવા આવા કાર્યક્રમો જરૂરી છે. ૧૦૮ ગૌકથાઓના માધ્યમથી ગૌમાતા દ્વારા મળતી કુદરતી ભેટો — જેમ કે ગૌમૂત્ર, છાણ અને ગૌધન આધારિત ખેતીના ફાયદાઓ — લોકોને સમજાવવામાં આવશે. મહેસાણામાં યોજાયેલી આ ગૌકથા એ જાગૃતિના આ અભિયાનની સરસ શરૂઆત બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR