ફાટેલા હોઠની ખામી લઈ જન્મેલી રીવાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મળ્યું, નવજીવન હોસ્પિટલમાં રૂ.૧ લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મૂલ્યે થયું
ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને ગંભીર બીમારીમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે) ગીર સોમનાથના બાળકો માટે આશીર્વાદ સમાન બન્
ફાટેલા હોઠની ખામી


ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને ગંભીર બીમારીમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે) ગીર સોમનાથના બાળકો માટે આશીર્વાદ સમાન બન્યો છે.

આર.બી.એસ.કે અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બીમાર બાળકોને ઘરે તેમજ શાળાએ જઇ તપાસ કરી જરૂરી સારવાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયદીપભાઇ પંપાણિયાની દિકરી રીવાનું જન્મજાત ફાટેલા હોઠની ખામીનું ખાનગી હોસ્પિટલમાં રૂ.૧ લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મૂલ્યે થયું હતું.

રીવાને જન્મજાત જ ફાટેલા હોઠની સમસ્યા હતી. જેથી સમગ્ર પરિવાર ચિંતિત હતો. પરંતુ આ વાતની જાણ આર.બી.એસ.કેની ટીમને થતા તાત્કાલીક બાળકીની તપાસ કરી ૬ મહિના પછી રાજકોટની હોસ્પિટલમાં એકપણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન કરાવી રીવાને નવજીવન આપ્યું હતું.

પિતા જયદીપભાઇ પંપાણિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ અમારા ઘરે દિકરી રીવાનો જન્મ થયો હતો. દિકરીનો જન્મ થવાના કારણે પરિવારમાં ખુશી છવાઇ હતી. પરંતુ દીકરીના જન્મજાત ફાટેલા હોઠ જોઇ પરિવાર ચિંતિત બન્યો હતો. પરંતુ પરિવારની આ ચિંતાને રાજ્ય સરકાર અને આર.બી.એસ.કેની ટીમે દૂર કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારે રીવાના ઓપરેશન માટે આવવા-જવા કે હોસ્પિટલમાં કે ક્યાંય પણ એકપણ રૂપિયો આપ્યો પડ્યો નથી. આથી અમે આર.બી.એસ.કેની ટીમ અને રાજ્ય સરકારનો આભાર માનીએ કે, અમારા જેવા નાના માણસોનું ધ્યાન રાખી વિના મૂલ્યે મેડિકલ સહિતની સારવાર આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આશા બહેનો અને આર.બી.એસ.કેની ટીમના ડોક્ટર્સે ઘરે આવી રીવાના હોઠની તપાસ કરી અને પરિવારને ઓપરેશન અંગે ધરપત આપી હતી. તપાસ કરી જણાવાયું હતું કે, રીવા ૬ મહિનાની થાય તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવે પછી તેમનું ઓપરેશન થઇ શકે છે. જેથી રીવા ૮ મહિનાની થઇ પછી એકપણ રૂપિયાના ખર્ચ વગર રાજકોટની હોસ્પિટલમાં રીવાના હોઠનું ઓપરેશન કરી આપ્યું છે.

આ અંગે આર.બી.એસ.કેની ટીમના મેડિકલ ઓફિસર ડો.દિશા ચૌહાણે જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું હતું કે, કદવાર ગામના વાડી વિસ્તારમાં રીવાને જન્મજાત જ ફાટેલા હોઠની સમસ્યા છે. આથી તેમના ઘરની મુલાકાત લઇ રીવાની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પરિવારજનોને સમજાવ્યા હતાં કે રાજ્ય સરકારની મદદથી આર.બી.એસ.કેની ટીમ દ્વારા વિના મૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. જેથી રીવાનો હોઠ ફરીથી સામાન્ય થઈ જશે.

પરિવારની સહમતી બાદ રીવા ૮ મહિનાની થઇ અને વજન, લોહી સહિતના રીપોર્ટ નોર્મલ આવતા રાજકોટની ધ્રુવ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન માટે રીવાના પરિવારજનોને એકપણ રૂપિયાનો ખર્ચ થયો નથી અને આવવા-જવા અને રહેવાની પણ સુવિધા આપવામાં આવી હતી. એમ એમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્લાસ્ટિક સર્જનના કહેવા મુજબ ઓપરેશનનો ખર્ચ ૬૦ થી ૭૦ હજાર જેટલો થાય અને ૩ દિવસ એડમિટ હોય એનો ખર્ચ સહિત અંદાજિત રૂ.૧ લાખ થાય છે. પરંતુ રાજ્ય સરકારના માધ્યમથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિના મૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યું છે. આથી કહી શકાય કે, નાના અને મધ્યમ વર્ગ માટે રાજ્ય સરકારી યોજનાઓ આશીર્વાદ સમાન બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande