પ્રાકૃતિક સંપદા, વન્યજીવ અને સાંસ્કૃતિક ધરોહરનું સુરક્ષાચક્ર, વનરક્ષક દરિયાઈ-વન્યજીવનું સંરક્ષણ-સંવર્ધન કરતું ગીર સોમનાથ ફોરેસ્ટ વિભાગ
ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય સંસ્કૃતીમાં કહેવાયું છે કે, આ સમગ્ર વિશ્વ પંચતત્વનું બનેલું છે. આ પંચતત્વ એટલે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ તત્ત્વોનો સમન્વય. આ જ રીતે પૃથ્વી મુખ્યતવે પર્યાવરણ પર આધારિત છે. ‘પરિ’ એટલે કે આસપાસ અને ‘આવરણ’ એટલે કે
વન્યજીવ અને સાંસ્કૃતિક ધરોહરનું


ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય સંસ્કૃતીમાં કહેવાયું છે કે, આ સમગ્ર વિશ્વ પંચતત્વનું બનેલું છે. આ પંચતત્વ એટલે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ તત્ત્વોનો સમન્વય. આ જ રીતે પૃથ્વી મુખ્યતવે પર્યાવરણ પર આધારિત છે. ‘પરિ’ એટલે કે આસપાસ અને ‘આવરણ’ એટલે કે આસપાસનું સ્તર અથવા વાતાવરણ.

આ પર્યાવરણમાં પ્રાકૃતિક સંપદા, વન્યજીવ તેમજ અનેક સાંસ્કૃતિક ધરોહરનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ કુદરતે અખૂટ પ્રાકૃતિક સંપદા આપી છે. જંગલના વિસ્તારનું સંચાલન અને વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરતા વનરક્ષકો આ પ્રાકૃતિક સંપદાની જાળવણીમાં નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરે છે.

નેશનલ પાર્ક, વન્યજીવ અભયારણ્યો અને હેરિટેજ જંગલોની જાળવણીમાં વનરક્ષકોનો સિંહફાળો રહેલો છે. આ વનરક્ષકોની કામગીરીને બીરદાવવા અને કપરી પરિસ્થિતિઓમાં સંરક્ષણ અને સંવર્ધનના તેમના પ્રયાસોને સરાહવા તેમજ ફરજ દરમિયાન ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા રેન્જર્સને યાદ કરવા માટે દર વર્ષે ૩૧ જુલાઈના રોજ “વર્લ્ડ રેન્જર ડે”ની ઉજવણી કરવામાં આવે છે.

વન્યજીવોથી લોકો ભયમુક્ત જીવન જીવી શકે અને વન્યજીવો તેમજ પ્રાકૃતિક સંપદાનું સંરક્ષણ પણ થાય તેવો વનરક્ષકોનો હેતુ હોય છે. કોઈપણ વન્યપ્રાણીને ઈજા પહોંચી હોય કે શારીરિક નુકસાન થયું હોય તો ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે તેને સારવાર આપવામાં આવે છે.

ગ્રામ્યવિસ્તારમાં માલઢોરના મૃત્યુ અંગે કેસમાં વળતર ચૂકવણી, દરિયાઈ જીવો અંતર્ગત શિડ્યૂલ-૧ કાચબા, મત્સ્યસંપદામાં વ્હેલ શાર્કનું સંવર્ધન અને સંરક્ષણ, વીડીમાંથી ઘાસનું એકત્રીકરણ કરી અને ગોદામમાં ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી કામગીરી ફોરેસ્ટ વિભાગ સુપેરે પાર પાડે છે.

શિકારીઓથી વન્યજીવોનું રક્ષણ, રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં મગર, સિંહ-દીપડા જેવા જીવોને સહીસલામત રેસ્ક્યૂ કરી અને સલામત સ્થળે ખસેડી વિસ્તારને ભયમુક્ત જાહેર કરવા જેવી બાબતોમાં ફોરેસ્ટ વિભાગના નાયબ વન સંરક્ષક, મદદનીશ વન સંરક્ષક, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર, બીટગાર્ડ વગેરેની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે.

વૈદિક વિજ્ઞાનથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી પર્યાવણની જાળવણીમાં વૃક્ષોનો સિંહફાળો સ્વીકારવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ મોદીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા 'એક પેડ માં કે નામ', ‘સિંહ દિવસ’ સહિત અનેકવિધ કાર્યક્રમો થકી પર્યાવરણ અને વન્યજીવની જાળવણી માટે સમગ્ર રાજ્યમાં અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશમાં ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલા છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોના અનેક હેક્ટરમાં ફેલાયેલા જંગલમાં વનરક્ષકો કર્તવ્યનિષ્ઠાથી સુરક્ષા અને સલામતી પૂરી પાડે છે. રાજ્યના વિવિધ અભયારણ્યો અને ઉદ્યાનોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતાં હોય છે. આ જગ્યાઓએ વન્યજીવોની સલામતી રહે અને નાગરિકોને સુરક્ષા મળતી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે.

આમ, માનવજીવન સહિત પૃથ્વી પરની તમામ સજીવસૃષ્ટિનો આધાર પર્યાવરણ પર રાખે છે. જેથી તેનું સંતુલન જાળવી રાખવું અત્યંત અગત્યનું છે. જેથી પ્રાકૃતિક સંપદા બચાવવામાં પ્રત્યેક મનુષ્યએ પોતાનો ફાળો અચૂક આપવો જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande