ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓના સમારકામનું સતત મોનિટરિંગ કરી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પુલ, રોડ-રસ્તા અને ઇમારતની સ્થિતિ અંગે ઉના પ્રાંત કચેરી ખાતે પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં મંત્રીએ જિલ્લામાં કરવામાં આવેલા કાર્ય અંગે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિવિધ રોડ-રસ્તા અને ઇમારતની સ્થિતિ અંગે વિગતવાર ચિતાર મેળવ્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક તંત્રના વિવિધ વિભાગોના તમામ અધિકારીઓ એકબીજા સાથે પરસ્પર સંકલન સાધી જનસુખાકારીને લક્ષમાં રાખી સુનિયોજીત કામગીરી કરે એ હિતાવહ છે.
વધુમાં મંત્રીએ મહત્વપૂર્ણ ચર્ચા કરી જિલ્લાના મુખ્યમાર્ગો અને પુલોનું નિરીક્ષણ કરી સમારકામને પ્રાથમિકતા આપવા સહિત જર્જરિત શૈક્ષણિક ઈમારતોના દુરસ્તીકરણ, બાળકો પ્રત્યે સવિશેષ કાળજી રાખી શાળામાં વિદ્યાર્થીઓની સગવડતાઓ અને રસ્તાની મરામત પર સવિશેષ ભાર મૂક્યો હતો.
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ભાવનગર-રાજકોટ, નેશનલ હાઈવે (રાજ્ય), માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), ગુજરાત મેરિટાઈમ બોર્ડ, મત્સ્યોદ્યોગ અને નગરપાલિકા હસ્તક આવેલા કુલ ૧૬૦ પુલોની વિગતો આપી હતી.
મંત્રી સમક્ષ કાજલી પરના હિરણ નદી પરનો પુલ, વેરાવળ તાલુકાના બંદરો વિભાગના ત્રણ પુલ, ઉના તાલુકાના મચ્છુંદ્રી નદી પરનો પુલ, તાલાલા તાલુકાના ગલીયાવડ ગામ પાસે હીરણ નદીનો પુલ, સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ગામ પાસે સરસ્વતી નદી પર એમ નાના-મોટા પુલ ઉપરથી ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ સહિત જુદા જુદા વિભાગના કુલ ૧૪ પુલ પર પ્રતિબંધિત જાહેરનામાની માહિતી, રસ્તાઓનું પેચવર્ક, જંગલ કટિંગ, શોલ્ડર સ્ટ્રેન્ધનિંગની માહિતી રજૂ કરવામાં આવી હતી.
પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રી સમક્ષ વિવિધ વિભાગો હસ્તક જિલ્લામાં આવેલી જર્જરિત ઇમારતોની સ્થિતિ, પેચ કરવા પાત્ર રોડ-રસ્તાની વિગતો, ખનન પ્રવૃત્તિ કરતાં લીઝમાં ફેન્સીંગ કામ, તહેવારો નિમિત્તે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નમૂના તપાસણીની કામગીરી, આપત્તિ નિવારણ માટે જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓ, આપત્તિ વ્યવસ્થાપન અને સિવિલ ડિફેન્સ ક્ષમતા નિર્માણ પ્રક્રિયા અહેવાલ રજૂ કરાયો હતો.
ભાવનગર ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાએ વેરાવળ, તાલાળા, ઉના સહિત જિલ્લામાં નગરપાલિકા હસ્તક આવેલી જર્જરીત સંપત્તિઓ અને ઇમારતોની વિગતો આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, ઉના પ્રાંત અધિકારી કે.આર. પરમાર સહિત મહેસૂલ વિભાગ, શિક્ષણ, આંગણવાડી, વાસ્મો, આરોગ્ય, આયોજન, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મતસ્યોદ્યોગ અને નગરપાલિકા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ