ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) અંબુજા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની સ્થાપના વર્ષ ૨૦૧૨માં કરવામાં આવી હતી. જેના દ્વારા તાજેતરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજાનગર ખાતે ૧૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત સર્વે મહિલાઓને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરાયા હતાં.
આ વાર્ષિક સાધારણ સભામાં ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાના ૧૦૨ ગામોમાંથી ૧૦૦૦થી વધુ એસ.સી.જી જૂથમાં જોડાયેલી ગ્રામીણ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડૉ. હંસાબેન ગામી તથા અંબુજા ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર કિરીટભાઈ જસાણી દ્વારા બહેનો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક શાકભાજીનો બગીચો બનાવી દવા તથા ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને કેન્સર જેવા ભયંકર રોગોથી બચવા માટેના ઉપાયો વિશે સચોટ માહિતી પૂરી પાડી હતી.
આ સંસ્થાના સંસ્થાપક મોતીબેન બેન ચાવડા પ્રોજેક્ટ ઓફિસર દ્વારા મહિલાઓ વધુમાં વધુ આધ્યાત્મિકતા તરફ વળે તેમજ વ્યસનમુક્તિ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેમજ દરેક એક વૃક્ષ વાવે તેવી આશા વ્યક્ત કરી હતી.
અંબુજા સિમેન્ટ કંપનીના પ્લાન્ટ હેડ અને સ્ક્વોડર્ન લીડર શ્રી સંજય વશિષ્ઠ દ્વારા સમાજમાં નારી શક્તિને ઉચ્ચ સ્થાન મળે તે માટે પ્રેરક બળ આપતું વક્તવ્ય પૂરું પાડ્યું હતું. જ્યારે જનરલ મેનેજર દલસુખ વઘાસિયાએ મહિલાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખુબ આગળ વધે તેવી શુભકામનાઓ આપી હતી.
સોરઠ મંડળીના પ્રમુખ જયાબેન દાહિમા દ્વારા કુલ ૧૨૩૫ બચત મંડળોની કામગીરી વિશે સવિશેષ માહિતી રજૂ કરી હતી તથા મંડળીમાં કામ કરતી ક્લસ્ટર કોઓર્ડીનેટર બહેનોને બિરદાવ્યા હતા. સોરઠ મંડળીના મંત્રી ધર્મિષ્ઠાબેન વાળા દ્વારા વર્ષની કામગીરીનું આવક-જાવક, ખર્ચ પત્રક સરળ ભાષામાં રજૂ કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોરઠ મંડળીના કાર્યકર્તા રીંકલબેન ચૌહાણ દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સોરઠ મંડળીના કાર્યકર્તા બહેનો વર્ષાબેન અને અંબુજા ફાઉન્ડેશન તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ