ગીર સોમનાથ 1 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત, સંસ્કૃતના શિક્ષણને મહત્વ પ્રદાન કરવા, પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટેડ, ખાનગી, મહાવિદ્યાલયો સહિત શાળાઓ તેમજ નાગરિકોમાં સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે અને સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ત્રિ દિવસીય ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૬/૦૮/૨૦૨૫ થી તા.૦૮/૦૮/૨૦૨૫ની ત્રિ-દિવસીય ઉજવણી દરમિયાન પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિવસ અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિવસની ઉજવણી અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે સવારે ૧૦.૦૦ કલાકેથી ટાવર ચોક થી સંસ્કૃત યુનિવર્સિટી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે. જેમાં ટેબ્લો સહિત પરંપરાગત વેશભૂષામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. જ્યારે બીજા દિવસે વિવિધ શાળાઓ અને કોલેજોમાં સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરાશે. ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્યના પ્રચાર-પ્રસારને ધ્યાનમાં રાખી અને સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ સહિત સંસ્કૃત યુનિવર્સિટીના તજજ્ઞો, બી.આર.સી કોઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ