પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત સરપંચો અને પંચાયતના સભ્યો માટે સન્માન સમારોહ યોજાયો હતો. સાથે સાથે પંચાયતી રાજ વિષયક માહિતિસભર સેમિનારનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે ગામના વિકાસમાં સરપંચોની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને તેઓ 'Village First, Nation First'ની ભાવના સાથે કાર્ય કરશે.
કાર્યક્રમ દરમિયાન દૂધસાગર ડેરીના ગૌરવ અશોકભાઈ ચૌધરીનું GCMMF (અમૂલ)ના અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી બલવંતસિંહ રાજપૂતે તેમની પ્રશંસા કરતા જણાવ્યું કે અશોકભાઈનું નેતૃત્વ અમૂલને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે અને દૂધ ઉત્પાદકો માટે નવી શક્યતાઓ ઉભી કરશે.
આ કાર્યક્રમમાં રમેશભાઈ સિંધવ, લવિંગજી ઠાકોર, નંદાજી ઠાકોર, રણજીતસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો, શહેર-તાલુકા ભાજપ પદાધિકારીઓ, APMC સિદ્ધપુરના ચેરમેન તથા દૂધસાગર ડેરીના ડિરેક્ટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર