-સરસંઘચાલકે,
ટ્રમ્પના ટેરિફ પર સૂચક ટિપ્પણી કરી
નાગપુર, નવી દિલ્હી,01 ઓગસ્ટ (હિ.સ.) અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે, વિશ્વના ઘણા દેશોમાં અસંતોષ છે. કેટલાક
પશ્ચિમી દેશો અપેક્ષા રાખે છે કે, ભારત ટ્રમ્પની વ્યૂહરચના સામે ઝૂકી જશે. જોકે
ભારત સરકારે આ અંગે કોઈ સત્તાવાર વલણ અપનાવ્યું નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક ડૉ.
મોહન ભાગવતે નાગપુરમાં એક સૂચક ટિપ્પણી કરતા કહ્યું કે,” ભારતની પ્રગતિ ફક્ત
આત્મનિર્ભરતા અને આત્મબળ દ્વારા જ શક્ય છે.”
ભાગવત શુક્રવારે કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી
હેઠળ ડૉ. હેડગેવાર આંતરરાષ્ટ્રીય ગુરુકુળના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું, દેશ અને સમયની
પરિસ્થિતિઓ આપણને સંકેત આપી રહી છે કે, હવે ભારતે આત્મનિર્ભર બનવું પડશે. ફક્ત
પોતાની તાકાત પર જ ભારત વાસ્તવિક પ્રગતિ કરી શકે છે. આપણી ઓળખ આપણી શક્તિ અને
સમૃદ્ધિનો આધાર છે. જ્યાં આત્મસન્માન છે, ત્યાં શક્તિ, ઉર્જા અને લક્ષ્મી રહે છે. જ્યારે આપણે આપણા આત્મસન્માનને
ભૂલી જઈએ છીએ, ત્યારે પતન શરૂ
થાય છે. ભારતનું પતન પણ આ ભૂલી જવાને કારણે થયું છે.
તેમણે કહ્યું કે,” ભારતની પરંપરા ખૂબ જ પ્રાચીન છે.
ખ્રિસ્તની પહેલી સદીથી સોળમી સદી સુધી, ભારત વિશ્વમાં અગ્રણી હતું, કારણ કે, તે તેના આત્મસન્માન પર
અડગ હતું. જ્યારે ભારતીયો પોતાનું આત્મસન્માન ભૂલી ગયા, ત્યારે તે વિદેશી
આક્રમણોનો ભોગ બનવા લાગ્યું. અંગ્રેજોએ, ભારતીયોની બુદ્ધિને પણ ગુલામ બનાવવાની
રણનીતિ અપનાવી. જો ભારતે આત્મનિર્ભર બનવું હોય, તો પહેલા તેણે તેના આત્મસન્માનને ઓળખવું પડશે.”
સંસ્કૃતના સંરક્ષણ અને પ્રચારની જરૂર-
ડૉ. ભાગવતે કહ્યું કે,” ભાષા એ કોઈપણ સમાજના 'સ્વ' સ્વભાવને વ્યક્ત
કરવાનું માધ્યમ છે. સમાજની ભાષા તેની લાગણીઓ જેવી છે. ભારતીય પરંપરાઓ અને લાગણીઓ
સંસ્કૃત ભાષા દ્વારા, વ્યક્ત કરવામાં આવી છે. સંસ્કૃત સામાન્ય લોકોની ભાષા બને અને
તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ થાય તે જરૂરી છે. આનાથી સંસ્કૃતનું પુનરુત્થાન પણ થશે.”
તેમણે કહ્યું કે,” સંસ્કૃતમાં સૌથી વધુ શબ્દોનો ભંડાર છે
અને તે ઘણી ભાષાઓની માતા છે. દેશની લગભગ બધી ભાષાઓના મૂળ સંસ્કૃતમાં છે. ભાષાનો
વિકાસ દેશ, સમય અને
પરિસ્થિતિ અનુસાર થાય છે અને સામાન્ય લોકોના જીવનમાં સંસ્કૃતને સ્થાન આપવું જરૂરી
છે.”
સંસ્કૃત ફક્ત યુનિવર્સિટીઓ સુધી મર્યાદિત ન હોવું જોઈએ.
તેમણે કહ્યું કે, સંસ્કૃત બોલવી જોઈએ અને ફક્ત ડિગ્રી માટે જ તેનો અભ્યાસ ન
કરવો જોઈએ. દેશમાં ઘણા પરિવારો છે, જ્યાં સંસ્કૃતનું પરંપરાગત રીતે પાઠ કરવામાં
આવે છે, પરંતુ ભાષા
બોલવાની વૃત્તિ વિકસિત થઈ નથી. સંસ્કૃતને શાહી સમર્થન તેમજ લોકપ્રિય સમર્થન મળવું
જોઈએ.”
અંતમાં, તેમણે કહ્યું કે,” દેશવાસીઓની ઓળખ જાગૃત કરવા માટે, દેશની બધી
ભાષાઓની સાથે સંસ્કૃત ભાષાનો પણ વિકાસ થવો જોઈએ. સંસ્કૃત યુનિવર્સિટીઓએ, આ દિશામાં
સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.”
આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉચ્ચ શિક્ષણ
મંત્રી ચંદ્રકાંત પાટિલ, કુલપતિ ડૉ.
હરેરામ ત્રિપાઠી, ભૂતપૂર્વ કુલપતિ
ડૉ. પંકજ ચંદે, ડૉ. ઉમા વૈદ્ય
અને ડિરેક્ટર કૃષ્ણ કુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ