પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુરથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા ત્રણ નવી બસોની સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસોનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું. બસો સિદ્ધપુરથી માતાનોમઢ, ભુજ અને સંતરામપુર સુધીના જૂના રૂટ પર સેવા આપશે. નવી અને આધુનિક બસોથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે, જે ખાસ કરીને ધંધા-રોજગાર, અભ્યાસ કે દર્શનાર્થે જનારાઓ માટે લાભદાયી સાબિત થશે.
આ નવી બસ સેવાને કારણે ગામડાં અને નાનાં શહેરોને મોટા શહેરો સાથે વધુ સારી રીતે જોડાણ મળશે. મુસાફરોને હવે સમય બચાવતી, આરામદાયક અને ભરોસાપાત્ર ટ્રાવેલ સેવાઓ મળશે. શ્રદ્ધાળુઓ, વેપારીઓ તથા રોજિંદા પ્રવાસ કરનારાઓ માટે પણ આ સેવા વધુ સરળતા લાવશે.
લોકાર્પણ પ્રસંગે રમેશભાઈ સિંધવ, લવિંગજી ઠાકોર, નંદાજી ઠાકોર, હેતલબેન ઠાકોર, અશોકભાઈ ચૌધરી અને અનિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા સ્તરના હોદ્દેદારો, શહેર અને તાલુકાના આગેવાનો, એસ.ટી. નિગમના અધિકારીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો તથા અનેક કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર