જામનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વખતે પણ પ્રદર્શન મેદાન ખાતે શ્રાવણી લોકમેળાનું આયોજન ઘડવામાં આવ્યું છે. આથી રાઇડસના સંચાલકો દ્વારા આજથી તૈયારી શરૂ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય સુધી મેળાની સ્થળ પસંદગી મુદ્દે ગડમથલ રહ્યા બાદ આખરે સાત રસ્તા નજીક આવેલા પ્રદર્શન મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટિ મારફત લેવાયો હતો. આ નિર્ણય લેતા પહેલા અન્નપૂર્ણા ચોકડી પાસે ખાલી પડેલ ખુલ્લા પ્લોટમાં મેળો કરવાનું વિચારાયું હતું પરંતુ સોઇલ ટેસ્ટીંગનો રિર્પોટ નેગેટીવ આવતા અહીં મેળો યોજવાનો વિચાર માંડી વાળી જોખમ લેવાનું ટાળવામાં આવ્યું હતું. પ્રદર્શન મેદાનમાં એક હિસ્સામાં એસટીનું હંગામી બસ સ્ટેશન કાર્યરત હોવાથી મેદાન ટૂંકૂ પડે તે સ્વાભાવિક છે પરંતુ કમિશ્ર્નરે મેળો અહીં યોજવાની દરખાસ્ત કલેકટર અને પોલીસ સહિતના સબંધીત તંત્ર સાથે પરાર્મશ કરીને કરી હોવાનું જાહેર કરાયું હતું.
આ મેળાના પાર્કિંગ માટે પ્રદર્શન મેદાની સામે આવેલ વિદ્યોતેજક મંડળ શૈક્ષિણક સંસ્થાના મેદાનનો ઉપયોગ થશે તેમજ વાહનોની અવર-જવર માટે અન્ય માર્ગોનો ઉપયોગ થશે. આ પ્રદર્શન મેદાનમાં મેળાની તૈયારીના ભાગરૂપે હરરાજીમાં પ્લોટ મેળવનાર દ્વારા જુદી-જુદી રાઇડસ માટેનો સામાન આજે આવી પહોંચ્યો હતો. જેથી તૈયારી શરૂ થઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT