સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- સુરત શહેરમાં ગુરુવારે જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા પીટીના શિક્ષકે 2 વર્ષ અને અને 8 વર્ષના બે પુત્રને ઝેર આપી બંનેની હત્યા કરી નાખી હતી અને બાદમાં પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ સમગ્ર ઘટનામાં શરૂઆતના તબક્કાથી જ સામૂહિક આપઘાત પાછળ ગૃહક્લેશ હોવાની શક્યતા સેવાઈ રહી હતી. જોકે મૃતક શિક્ષકે આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેની પત્નીના પર પુરુષ સાથેના અફેરના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે હાલ તો સ્યુસાઇડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા 41 વર્ષીય અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી પત્ની ફાલ્ગુની સાથે રહેતા હતા. બંનેના પરિવાર પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. અને એક જ પોલીસ લાઇનમાં રહેતા હતા. જેના કારણે આ સોલંકી દંપતી વચ્ચે પ્રેમ પ્રાગટયો હતો. અને બાદમાં બંનેએ પરિવારની રાજી-ખુશીથી લવ મેરેજ કર્યા હતા, જે દામ્પત્ય જીવન બે પુત્રો ક્રીશીવ અને કર્નિશનો જન્મ થયો હતી. અલ્પેશભાઈ ડિંડોલીની મેરીમાતા સ્કૂલમાં પીટીના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેની પત્ની જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે. ગુરુવારે શિક્ષક અલ્પેશભાઈએ આઠ વર્ષના પુત્ર ક્રીશીવ અને બે વર્ષના પુત્ર કર્નિશને સોડામાં ઝેર પીવડાવી બંનેની હત્યા કરી નાખી હતી અને બાદમાં પોતે પણ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાત કરતા પહેલા અલ્પેશભાઈએ એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તેઓએ પોતાના મિત્રને મોકલી હતી. જોકે આ સ્યુસાઇડ નોટ લખ્યા બાદ અલ્પેશભાઈ એ બંને બાળકોને મારી નાખી પોતે આપઘાત કરી લીધો હતો. મૃતક અલ્પેશભાઈની માતાએ બપોરના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન અલ્પેશભાઈને ફોન કર્યો હતો. પરંતુ તેમણે ફોન રીસીવ કર્યો ન હતો. જેથી તેણીએ મૃતકના અલ્પેશભાઇના સાળાને ફોન કર્યો હતો બાદમાં અલ્પેશભાઈના સાળાના મિત્રએ દરવાજો તોડીને જોતાં ઘટના સામે આવી છે. જેમાં અલ્પેશભાઈ ફાંસીએ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે બંને બાળકો બેડ પર મૃત પડ્યા હતા. બાદમાં સમગ્ર ઘટનાની જાણ અલ્પેશભાઈની પત્નીને કરવામાં આવી હતી. સામૂહિક આપઘાતના બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે જઈ પ્રાથમિક તપાસ આરંભી હતી. પોલીસને સ્થળ પરથી ઝેરી દવાની બોટલ મળી આવી છે. જેથી બંને પુત્રને ઝેર પાઇ પોતે ફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસને મળેલી સ્યુસાઇડ નોટમાં અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે તેની પત્ની ફાલ્ગુનીનું પર પુરુષ સાથે અફેર ચાલતું હતું. આ વાતની જાણ તેઓને થઇ જતા તેઓએ ફાલ્ગુની સાથે વાત પણ કરી હતી. જેમાં બંને વચ્ચે ઝઘડાઓ પણ થયા હતા. જોકે બાદમાં અલ્પેશભાઈએ આપઘાતનો નિર્ણય લઇ લીધો હતો અને બંને બાળકોને મારી નાખી પોતે પણ આપઘાત કરી લીધો હતો. હાલ તો આ મામલે ઉમરા પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે અલ્પેશભાઈ સામે હત્યાનો ગુનો નોંધ્યો
આ સમગ્ર ઘટનામાં મૃતક અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી (ઉ.વ. 41)એ તેમના બંને સંતાન ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી (ઉ.વ. 8) અને કર્નિશ અલ્પેશભાઈ સોલંકી (ઉ.વ. 2)ને સોડામાં ઝેરી દવા નાખી પીવડાવી દઈ બંનેની હત્યા કરી હતી. જેથી પોલીસે મૃતક અલ્પેશભાઈના ભાઈ જીગ્નેશકુમાર કાંતીલાલ સોલંકી (રહે: ૧૯૫ અરૂણ ઉદય સોસાયટી, આશાપુરી બમરોલી રોડ સુરત મુળ વતન ગામ. ચિથોડા તા. વિજયનગર જી. સાબરકાંઠા)ની ફરિયાદ લઇ અલ્પેશભાઈ સામે બંને પુત્રોની હત્યાનો ગુનો નોંધ્યો છે. અલ્પેશભાઈના બંને પુત્રમાં શીવ લાન્સર આર્મી સ્કૂલમાં જ્યાંરે નાનો પુત્ર કર્નિશ આંગણવાડીમાં અભ્યાસ કરવા માટે ગયો હતો. આ બંને પુત્રોને અલ્પેશભાઈ જ શાળાએથી છૂટવાના સમય પહેલા ઘરે લઈને આવ્યા હતા. અને બાદમાં બંને પુત્રોને ઝેર પિવડાવ્યુ હતું, અને બાદમાં પોતે ફાંસીએ લટકી ગયા હોવાની વિગત હાલ સામે આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે