પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ શહેરમાં છેલ્લા દસ દિવસથી આવતું પાણી પીળાશ ધરાવતું અને ડહોળું જોવા મળતા નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, શહેરને નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી પુરું પાડવામાં આવે છે. ખોરસમ પંપિંગ સ્ટેશનથી પદ્મનાભ જંકશન સુધી પાણી આવે છે અને ત્યારબાદ ખુલ્લી કેનાલ મારફતે સિદ્ધિ સરોવરમાં પહોંચે છે.
હાલમાં વરસાદી મોસમમાં નર્મદા કેનાલમાં વરસાદી પાણી ભળી જતાં સિદ્ધિ સરોવરમાં આવતું પાણી થોડું ડહોળું અને પીળાશવાળું બની ગયું છે. નગરપાલિકાની માહિતી મુજબ, આ પાણીને સિદ્ધિ સરોવર પાસે આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન ગેસથી શુદ્ધ કરવામાં આવે છે.
શુદ્ધિકરણ બાદ જ આ પાણી પાટણના વિવિધ વિસ્તારોમાં વિતરણ માટે મોકલવામાં આવે છે. તેમ છતાં નગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ પાણી ઉકાળી ને જ પીવા ઉપયોગ કરે. આ પગલું નાગરિકોના આરોગ્યના હિતમાં જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર