Gujarat, 1 ઓગસ્ટ (હિ.સ.)-મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સુરત
અઠવાગેટ કે. પી. કોમર્સ કોલેજ ખાતે 'નારી વંદન
ઉત્સવ-2025' અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં કોલેજના 200 થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા મહિલા
સુરક્ષા અને સલામતીના કાયદાઓ તેમજ મહિલાઓ અને બાળકો માટેના વિવિધ કાયદાઓ અંગેની
જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે મહાનુભાવોના હસ્તે ટાઈકવાન્ડો રમતમાં
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી વિવિધ ખિતાબ જીતેલી શહેરની 4 દીકરીઓનું સન્માન કરાયું હતું.
આ
પ્રસંગે સુરત ક્રાઈમ બ્રાંચ મહિલા સેલના એસીપી કે. મિની જોસેફે વિદ્યાર્થીઓને
મહિલાની સલામતી અને સુરક્ષા અંગેના વિવિધ કાયદાઓ વિષે માહિતગાર કર્યા હતા. જેમાં
બાળ લગ્ન, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, દહેજ પ્રથા
પ્રતિબંધક, ઘરેલુ હિંસા જેવા વિષયોને લગતા કાયદા અને તેમાં થતી સજા
અંગે માહિતગાર કર્યા હતા. તેમણે 18 વર્ષથી નાના બાળકો પર થતા શારીરિક શોષણ
વિરૂધ્ધના પોકસો એક્ટ વિષે પણ જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર સ્મિતાબેન પટેલે કોલેજના
વિદ્યાર્થીઓને દીકરી અને મહિલાઓને લગતી રાજ્યસરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી
હતી.
આ
કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કે.વી. લકુમ, કે.પી.
કોલેજના આચાર્ય ડૉ.સીમાબેન દેસાઇ, કોલેજના NSS કો
ઓર્ડીનેટરશ્રીઓ ડૉ. હેતલ દેસાઇ અને ડૉ. રશ્મિબેન પટેલ સહિત મહિલા અને બાલ
અધિકારીની કચેરીના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે