પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): પાટણ નગરપાલિકાએ ખાન સરોવર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કડક પગલાં શરૂ કર્યા છે. ચીફ ઓફિસરે ખાન સરોવર દરવાજા બહાર સાંડેસર પાટી વિસ્તારમાં આવેલા 20 દબાણકર્તાઓને નોટિસ પાઠવી છે, જ્યાં વોટર ફિલ્ટર પ્લાન્ટ પાસેની કેનાલની દક્ષિણે મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે.
નગરપાલિકાએ જણાવ્યું છે કે હાલ આ જગ્યાએ ભુવો પડ્યો છે, જેના કારણે વિસ્તાર જોખમી બની ગયો છે. લોકોના જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સ્થળ ખાલી કરવાનો આદેશ અપાયો છે.
ચીફ ઓફિસરે ચેતવણી આપી છે કે જો સમયમર્યાદામાં જગ્યા ખાલી નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરાશે અને સંબંધિત લોકોને આ બાબતે ગંભીર નોંધ લેવા જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર