નવસારી, 12 ઓગસ્ટ (હિ.સ.)-નવસારી જિલ્લામાં વિવિધ શાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ “સક્ષમ શાળા પુરસ્કાર 2024-25” કાર્યક્રમ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતીમાં આજરોજ સંસ્કાર સમૃધ્ધિ હાઇસ્કુલ કાલિયાવાડી ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં કુલ-૧૫ શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક માધ્યમિક ગ્રામ્ય-શહેરી-નિવાસી શાળાઓને તાલુકા અને
જિલ્લા કક્ષાના પુરસ્કારો તથા પ્રોત્સાહક ઇનામ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે કલેક્ટર ક્ષિપ્રા આગ્રે પ્રાસંગિક ઉદ્બોધન થકી શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ખાસ કરીને શિક્ષકની જબાવદારીઓ અને આજના સમયના બાળકો, ટેકનોલોજી અને રૂઢીગત પ્રણાલી અંગે ચર્ચા કરી હતી. કલેક્ટરએ સરકાર દ્વારા લેવામા આવેલ પહેલ ‘સક્ષમ શાળા’ સ્પર્ધાની પણ સરાહના કરી નવસારી જિલ્લામાં આગામી વર્ષોમાં વધારેમાં વધારે શાળાઓ એક બીજાની તંદુરસ્ત હરીફાઈમા ઉતરે તે માટે પ્રોત્સહિત કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાએ પ્રાસંગિક ઉદ્બોધન થકી શિક્ષણમા જુની અને નવિ પધ્ધતિઓને બેલેન્સ કરી વિકાસમા આગળ વધવા સમજ કેળવી હતી. તેમણે સ્માર્ટ શિક્ષણ તરફ વળવાથી મુળભુત પાયો ભુલાઇ ન જાય તેની તકેદારી રાખવા શિક્ષકોને મર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ભારત સરકાર દ્વારા આયોજિત ઓનલાઈન પ્રતિસ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી નવસારી જિલ્લાની કુલ-15 શાળાઓને પ્રમાણપત્ર તથા ટ્રોફી પ્રદાન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં 09 શાળાઓ જિલ્લા કક્ષાએ અને ૦૬ શાળા તાલુકા કક્ષાએ સ્પર્ધામા વિજેતા બન્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન થકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અશોકકુમાર અગ્રવાલે શિક્ષકો તથા શાળાના પ્રતિનિધિઓને અભિનંદન પાઠવી આગામી વર્ષોમાં વધુ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહેવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી સહિત વિવિધ મહાનુભાવો તથા વિવિધ શાળાના આચાર્યઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે