પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): સરકારી વિનિયન કોલેજ, સાંતલપુર ખાતે 7 ઓગસ્ટ, 2025ના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે વાર્ષિક રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ સવારે 9:00 વાગ્યે કોલેજના મેદાનમાં આચાર્ય ડૉ. રાજાભાઈ એન. આયરના માર્ગદર્શન હેઠળ થયો.
સ્પર્ધામાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક અને કબડ્ડી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક તમામ રમતોમાં જોડાયા અને તંદુરસ્ત સ્પર્ધાત્મક ભાવના પ્રદર્શિત કરી. દરેક રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને કોલેજ પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં સપ્તધારા કન્વીનર પ્રા. સુદાભાઈ આર. કટારા તથા લેબ આસિસ્ટન્ટ પ્રદીપસિંહ જાડેજાએ રમતગમતમાં શિસ્ત, સહકાર અને શારીરિક સુખાકારીનું મહત્વ સમજાવ્યું અને વિવિધ રમતોમાં નિર્ણાયક તરીકે સેવા આપી.
આ આયોજનમાં વિઝિટિંગ વ્યાખ્યાતા બહેનો પ્રિયાબેન, ઉષાબેન, આરતીબા અને કલ્પનાબેન સહિત કોલેજના સેવક મિત્રો હિતેષભાઇ, હસમુખભાઈ, રવજીભાઈ અને સવાભાઈનો મહત્વપૂર્ણ સહકાર મળ્યો. સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને વિદ્યાર્થીઓમાં નવી સ્ફૂર્તિનો સંચાર કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર