મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેહપુરા ગામે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં “વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર નિર્માણ” અને “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પ સાથે ભવ્ય ‘યોગ સંવાદ’ યોજાયો. કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પ્રેરક રૂપે જોડાયા હતા. શીશપાલજીએ જણાવ્યું કે યોગ માત્ર વ્યાયામ નહીં, પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનું પરિપૂર્ણ સાધન છે, જે આરોગ્ય સાથે એકતા, શિસ્ત, સંસ્કાર અને સકારાત્મકતા મજબૂત કરે છે.
આ અવસરે GCMMF તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ગ્રામ્ય સ્તરે યોગના પ્રચારથી ખેડૂત, શ્રમયોગી, ગૃહિણી અને વિદ્યાર્થીઓને તંદુરસ્તી સાથે માનસિક શાંતિ અને કાર્યક્ષમતા મળશે તે વાત પર ભાર મૂક્યો. પ્રાણાયામથી લઈને વિવિધ આસનો સુધીના પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યા અને સૌએ યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ લીધો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મહેસાણા જિલ્લા ટીમ સાથે આસપાસના 200થી વધુ ગામોમાંથી 1000થી વધુ ખેડૂતો અને ગ્રામજનો જોડાયા. ગામના વરિષ્ઠ નાગરિકોથી લઈને યુવાનો સુધી સૌએ યોગાભ્યાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR