મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.): મુખ્યમંત્રીએ ઐતિહાસિક વડનગરમાં ચાલી રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યું. વડનગર રેલ્વે સ્ટેશન સામે અંદાજે રૂ. 17 કરોડના ખર્ચે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ અને પબ્લિક પ્લાઝાનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પાર્કિંગ, એમ્ફી થિયેટર, પાથ-વે, ફૂડ પ્લાઝા અને બે હજારથી વધુ વૃક્ષારોપણ જેવી સુવિધાઓનો સમાવેશ છે.
મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે માટે રેલ્વે અને રાજ્યના પ્રવાસન વિભાગ વચ્ચે યોગ્ય સંકલન માટે સૂચનો આપ્યા. સ્વદેશ દર્શન યોજના હેઠળ વડનગરના શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ અને અન્ય હેરિટેજ સ્થળોના વિકાસના કાર્યો પણ ચાલી રહ્યા છે.
આ અવસરે ધારાસભ્ય કે.કે. પટેલ, પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર, કમિશનર પ્રભવ જોષી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR