જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના અંતરિયાળ ગામડાઓમાંથી પસાર થતી ઓખા-દ્વારકા-જામનગર-રાજકોટ સુધીના ગામડાઓના અપડાઉન કરી શકતા લોકો માટે મહત્વની રાજકોટ-ઓખા લોકલ ટ્રેન ચાલુ કરવા જામનગરની સંસ્થા દ્વારા રેલવે ડીઆરએમ (રાજકોટ)ને લેખિત રજુઆત કરવામાં આવી છે.
રાજકોટથી ઓખા અને ઓખાથી રાજકોટના રૂટ ઉપર હાલ દિવસના ભાગના 12થી 13 કલાક દરમિયાન એક પણ ટ્રેન ચાલતી નથી. તેથી આ રૂટ ઉપર લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવે તો રાજકોટ, પડધરી, હડમતિયા, જાલીયાદેવાણી, અલીયાબાડા, હાપા, જામનગર, લાખાબાવળ, પીપળી, કાનાલુસ, મોડપર, ખંભાળીયા, ભાતેલ, ભોપલકા, ભાટીયા, કુરંગા, ઓખામઢી, ગોરીંજા, દ્વારકા, વરવાળા, ભીમપરા, મીઠાપુર અને ઓખા આ 24 સ્ટેશનો અને દરેક સ્ટેશનની આસપાસના ગામોના શ્રમજીવી અને નાના-મોટા રોજગાર માટે જતા-આવતા લોકો તેમજ અન્ય કારણોસર મુસાફરી કરવા માંગતા લોકો આવી લોકલ ટ્રેનનો લાભ લઈ શકે તેમ છે.
આવી ટ્રેન શ્રમજીવીઓ માટે તો આશીર્વાદરૂપ બની રહેશે. તેથી આવી ટ્રેન ચાલુ કરવામાં આવે. તેવી માંગણી એડેશ્વર શ્રમજીવી મંડળના પ્રમુખ રણજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ રાજકોટ-ઓખા લોકલ ટ્રેન ચાલુ હતી. જેનો લાભ મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના દુધના ધંધાર્થીઓ તેમજ દ્વારકાના દર્શનાર્થીઓ લેતા હતા. આ સુવિધા શરુ થાય તો રેલ મંત્રની કોચ આવક વધે તેમ હોવાનું સંસ્થાએ રજુઆતમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt