પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીમાં બાપુના પગલે ત્રિરંગા ભારત થીમ આધારિત 160 કલાકારો એક સાથે 20 મિનિટ પર્ફોમન્સ કરશે. જેમાં વિશ્વવિખ્યાત મહેર મણિયારો રાસ મંડળની ટીમ, ચોરવાડની પ્રખ્યાત ટિપ્પણી લોક નૃત્યની ટીમ, ભરતનાટ્યમ અને કથક ક્લાસિકલ નૃત્ય રાજકોટની ટીમ, હુડો નૃત્ય ટીમ, વિવિધ ગરબા ગૃપ પોરબંદર, નારી શક્તિને અર્પણ ઓપરેશન સિંદુર કલાકારોની ટીમ, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જયેશભાઈ હિંગળાજીયા ગોલ્ડન ગાંધી બનશે આમ વિવિધ ગૃપના કુલ 160 કલાકારો દ્વારા સંયુક્ત રીતે 20 મિનિટ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ સફળ બનાવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે અને કલાકારો પણ સારુ પર્ફોમન્સ કરી શકે તે માટે આગામી સમયમાં રિહર્સલ પણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya