સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.)- ગતરોજ વાપી શહેરના જેટકોના 66 કેવી ચલા સબ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ સબ સ્ટેશનમાં સેફ્ટીનેટ પ્રોટેકશન સીસ્ટમ લગાવવાનો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત જેટકોના સુરત શહેરના 66 સચિન બી, સચિન-ડી અને ઉધના સબ સ્ટેશનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે સેફટીનેટ માટે અંદાજિત રૂા.180 લાખથી વધારે ખર્ચ કરવામાં આવશે. ભવિષ્યમાં વીજ ગ્રાહકોને વીજ પુરવઠા અંગે ફરિયાદ ઊભી ન થાય તે માટે તબક્કાવાર સુરત શહેરી વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં આ પ્રમાણેની સેફ્ટી નેટ તબક્કાવાર જેટકોના સબ સ્ટેશનમાં લગાવવામાં આવશે.
વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા તેમજ રાજયમાં અવિરત અને ગુણવત્તા સભર વીજ પુરવઠો મળે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે ગત વર્ષોમાં સચિન જીઆઇડીસી તેમજ સુરત શહેરી વિસ્તારમાં ખાસ કરીને મેટાલિક યાન અને ઉતરાયણની સિઝનમાં ચાઈનીઝ દોરાના કારણે જેટકોની લાઈન તેમજ સબ સ્ટેશનમાં વિજ વિક્ષેપને ધ્યાને લઈને ઉર્જામંત્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં લઈને તબક્કાવાર સેફટીનેટ લગાવવામાં આવશે.
આ પ્રસંગે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતિષભાઈ પટેલ ભાજપ અગ્રણીઓ તેમજ જેટકોના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાંડે, ચીફ એન્જિનિયર કે એચ રાઠોડ અને જેટકો અને ડીજીવીસીએલના કર્મચારીઓ તેમજ ચલા વિસ્તારના ગ્રામજનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે