ગાંધીનગર, 11 ઓગસ્ટ (હિ.સ.): સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન કડીની પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટસ કોલેજને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા સતત ત્રીજી વખત ‘A’ ગ્રેડ પ્રાપ્ત થયો છે.
આવી સિદ્ધિ મેળવનારી સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ કોલેજ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) ભારત સરકાર દ્વારા દેશની તમામ કોલેજનું દર પાંચ વર્ષે એસેસમેન્ટ કરી કોલેજને ગ્રેડ આપવામાં આવે છે. આ એસેસમેન્ટ પ્રક્રિયામાં ગુજરાત રાજ્ય બહારની યુનીવર્સીટીનાં કુલપતિ, યુનીવર્સીટીનાં પ્રોફેસર તથા કોલેજના પ્રિન્સિપાલ સહિતની બનેલ પીયર-ટીમ સંસ્થાની બે દિવસ મુલાકાત લઇ વિદ્યાર્થીના પ્રવેશ, પરિણામ, સ્કોલરશીપ, પ્લેસમેન્ટ ઉપરાંત સંસ્થાકીય તમામ બાબતો, રીસર્ચ પબ્લિકેશન, સ્પોર્ટ્સ તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, અભ્યાસક્રમ, સ્કીલ ડેવલપમેન્ટ એક્ટીવીટી, સ્ટાર્ટ-અપ્સ, માળખાકીય સુવિધાઓ, નાણાંકીય આયોજનો, પર્યાવરણ જાળવણી તથા વિવિધ સમાજ ઉપયોગી કાર્યો દ્વારા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની નોંધ લેવામાં આવે છે. આ ટીમ કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા મેનેજમેન્ટનાં સભ્યો સાથે પણ મીટીંગ કરતી હોય છે. આ સમગ્ર અને સર્વાંગી એસેસમેન્ટ બાદ ગ્રેડ જાહેર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને અંતે પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટસ કોલેજ, કડીને NAAC નાં ચોથી સાઇકલ દરમ્યાન સતત ત્રીજી વખત ‘A’ ગ્રેડ પ્રાપ્ત થયો છે. આવી સિદ્ધિ મેળવનારી પ્રમુખ સ્વામી કોલેજ સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ અને સમગ્ર રાજ્યની અત્યંત જૂજ કોલેજો પૈકીની એક કોલેજનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીના ચેરમેન વલ્લભભાઈ પટેલ તથા સર્વે હોદ્દેદારઓએ સમગ્ર કોલેજની ટીમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં પણ આવી જ ઉત્તમ પ્રવૃતિઓ કરી ઉત્કૃષ્ઠ દેખાવ કરતાં રહો એવી શુભેચ્છાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ