પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ અને સપ્તધારા કૉઓર્ડિનેટર ડૉ. મનોજ પ્રજાપતિના નેતૃત્વમાં 4 થી 8 ઓગસ્ટ, 2025 દરમિયાન “મેઘધનુષી સપ્તાહ”નું આયોજન થયું. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ અને પ્રતિભા વિકાસ હેતુથી આ સપ્તાહ દરમિયાન 19થી વધુ સ્પર્ધાઓ યોજાઈ. કૉલેજના વિજ્ઞાન અને આર્ટસ વિભાગના 140થી વધુ વિદ્યાર્થીઓએ કાવ્ય પઠન, કાવ્ય ગાન, સમૂહ ગીત, લોકગીત, સમૂહ નૃત્ય, નાટક, એકપાત્રિય અભિનય, નિબંધ લેખન, વકૃત્વ અને ક્વિઝ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાથે જ વાનગી હરીફાઈ, મહેંદી, રંગોળી અને કેશ ગૂંથણ જેવી સર્જનાત્મક હરીફાઈઓ પણ યોજાઈ.
વિશેષ પ્રવૃત્તિ રૂપે વન મિનિટ ગેમ, સંગીત ખુરશી, ચેસ અને કેરમ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ સાથે મનોરંજન અને રસરુચિ બંનેનો વિકાસ થાય. સ્પર્ધાઓમાં કૉલેજના અધ્યાપકો નિર્ણાયક તરીકે હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જીગ્નેશ પરમારે કર્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને કૉલેજનું નામ ગૌરવભેર ઊંચું કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર