પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરના વ્રજ એપાર્ટમેન્ટમાં થયેલી ઘરફોડ અને મોટરસાયકલ ચોરીનો ભેદ એલસીબી પોલીસે માત્ર થોડા કલાકોમાં ઉકેલ્યો. ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સ અને નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે એ જ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા દિનેશભાઈ નવીનભાઈ લુહારને ઝડપી પાડ્યો. બેરોજગાર દિનેશે ત્રીજા માળે આવેલા લાંબા સમયથી બંધ રહેલા ટી-01 ફ્લેટ અને ત્યાં પાર્ક કરેલી Hero HF Deluxe બાઈક ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
પંદર દિવસ પહેલા બપોરના સમયે, બજારમાંથી નવું તાળું ખરીદીને દિનેશે જૂનું તાળું તોડી બંધ ફ્લેટમાં પ્રવેશ કર્યો અને નવું તાળું લગાવી દીધું, જેથી કોઈને શંકા ન જાય. ત્યારબાદ પોતાની પાસે રહેલી ચાવી વડે અવરજવર ઓછી હોય ત્યારે ફ્લેટ ખોલીને તેણે સોના-ચાંદીના દાગીના, સાડીઓ, તાંબા-પિત્તળના વાસણો, ફ્રીજ, ગેસનો બાટલો સહિતનો મુદ્દામાલ ચોરી કર્યો.
પોલીસે દિનેશ પાસેથી કુલ ₹2,13,020/- નો મુદ્દામાલ, જેમાં સોનાની ચેન, વીંટી, પેન્ડન્ટ, ચાંદીનો સિક્કો, ગોદરેજ કંપનીનું ફ્રીજ, 22 સાડીઓ, 23 બ્લાઉઝ, દુપટ્ટો, ગેસનો બાટલો અને ચોરાયેલું બાઈક સામેલ છે, જપ્ત કર્યો. દિનેશ લુહારની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(ઈ) હેઠળ અટકાયત કરી તેને વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર