સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.)- 79માં સ્વાતંત્ર્ય સપ્તાહ અંતર્ગત હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાઃ સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગની થીમ પર વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ ઓલપાડ તાલુકા મથકે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વંદે માતરમ, ભારત માતાની જય ના નારા સાથે દેશ ભકિતમય માહોલ વચ્ચે તિરંગા યાત્રા ઓલપાડ બજારથી ઓલપાડ તાલુકા પંચાયત સુધી યોજાઈ હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા દરમિયાન પ્રજાજનો અને પોલીસ જવાનોના જોડાણ સાથે વંદે માતરમના નારા સાથે સમગ્ર ઓલપાડ નગર દેશભક્તિમય બન્યું છે. આ અવસરે મંત્રીએ શહિદ જવાનોને યાદ કરીને ઓપરેશન સિંદુરની સફળતાની વિગતો આપી હતી. આ તકે મંત્રીએ ઓલપાડ તાલુકાના સૌ ગ્રામવાસીઓને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરી હતી.
કાર્યક્રમના અંતે મંત્રીએ એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. દેશ ભકિતના ગીત સાથે ઉષ્માભેર નીકળેલી યાત્રામાં તા.પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, તા.પં. ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણીઓ કુલદીપ ઠાકોર, અગ્રણી સુનિલભાઈ, રાજભાઇ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો, પોલીસ જવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે