વલસાડ, 11 ઓગસ્ટ (હિ.સ.)- ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત સંચાલિત વલસાડ તાલુકાના કોસંબા ગામમાં સરકારી આયુર્વેદ દવાખાનાના મેડીકલ ઓફિસર (વર્ગ-2) ડૉ.સ્વાતિ ચૌધરી દ્વારા ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’’ અંતર્ગત દ્વિદિવસીય સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે કોસંબા ગ્રામ્ય વિસ્તારમાં મફત સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. લોકો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે તે માટે વર્ષાઋતુજન્ય રોગોના સંક્રમણથી બચવા જરૂરી રોગપ્રતિકાર શક્તિવર્ધક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ બે દિવસીય સેવા કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો.સ્વાતિ ચૌધરીએ ગ્રામજનોને તંદુરસ્ત રહેવા માટે જણાવ્યું કે, આયુર્વેદ નિદાન સારવાર ચિકિત્સા પધ્ધતિ દરેક પ્રકારના સામાન્ય રોગો તેમજ હઠીલા રોગોમાં 100 પ્રતિશત લાભદાયી નીવડે છે. દરેક સામાન્ય નાગરીકોમાં એક મિથ્યા માન્યતા છે કે, આયુર્વેદ દવાઓની અસર થતા વાર લાગે છે જે તદ્દન ખોટી માન્યતા છે. ભારત સિવાયના અન્ય ઘણા દેશોમાં ડોક્ટરો દ્વારા સારવાર માટે આયુર્વેદ ઔષધિ- દવાઓની ભારતથી નિકાસ કરવામાં આવે છે. જે વિશેની જાણકારી ભારતના સામાન્ય નાગરીકો સુધી હજી પહોંચી નથી. આયુર્વેદ ભારતનો પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળા, દિવાદાંડી, કોસંબા ખાતે વિદ્યાર્થીઓને વર્ષા ઋતુચર્યા, ઔષધી આપણી આસપાસ, મલેરિયા-ડેન્ગ્યુ માટે જરુરી પગલાઓ, ‘‘આયુર્વેદ ઔષધનું વિતરણ અને વૃક્ષારોપણ અને રોગપ્રતિકાર શક્તિવર્ધક અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થી, ગામની આશા બહેનો, આંગણવાડી બહેનો, દવાખાનાના સેવકના સહકારથી દ્વિ દિવસીય કાર્યક્રમ સફળ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે