વલસાડ, 11 ઓગસ્ટ (હિ.સ.)- રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વાપીના ચલા ખાતે અંદાજીત રૂા. ૧૬.૭૩ કરોડના ખર્ચે તૈયાર થયેલું ૬૯ મું ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ અને સાથોસાથ સુરતના ૬૬ કેવીના સચીન બી, ડી તથા ઉધના સબસ્ટેશનના રૂા. ૧.૯૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સેફટી નેટ પ્રોટેકશન સીસ્ટમનું ઇ ખાતમુહૂર્ત કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે પહેલા લોકો કહેતા હતા કે, રાત્રે જમતી વેળા વીજળી આપો અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ રાજયના લોકોને ૨૪ કલાક વીજળી મળે તે માટે વર્ષ ૨૦૦૪ થી રાજયના ડાંગ જિલ્લામાંથી જ્યોતિગ્રામ યોજના શરૂ કરી જેના સારા પરિણામ મળતા તેમનું સમગ્ર રાજયમાં અમલીકરણ કરાવ્યું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૧ પછી તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદી શાસનમાં આવ્યા બાદ ગામડે-ગામડે વિજળી પહોંચાડવાની કામગીરી ચાલુ થઇ હતી.આજે ઊર્જાક્ષેત્રે ગુજરાત આગળ છે. ૨૦૦૧ બાદ બમણી ગતિએ સબ સ્ટેશન નાખવાની કામગીરી થઇ છે.
હાલના કલાયમેન્ટ ચેન્જથી સમગ્ર વિશ્વ ચિતિંત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કુદરતી સંસાધનનો ઉપયોગ કરી રીન્યુએબલ એનર્જીનો મહતમ ઉપયોગ થાય તે માટે સમગ્ર દેશમાં સોલાર રૂફ ટોપ પોલીસી, સૂર્યઘર અને વિન્ડ એનર્જી જેવી યોજનાઓની શરૂઆત કરાવી છે. સોલાર પોલીસી અને વિન્ડ એનર્જીના અમલીકરણમાં આજે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાત રાજયમાં ૮૦ ટકા ઘરોમાં રૂફ ટોપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સૂર્યઘર યોજનામાં પણ સમગ્ર દેશમાંથી ૩ લાખ જેટલી સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. જે સમગ્ર દેશમાં વધુ છે. મુખ્યમંત્રીએ દરિયા કિનારાના કાંઠા વિસ્તારને અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવાનું સૂચન કરતાં ગુજરાતના તમામ કાંઠા વિસ્તારમાં આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. પાછલા વર્ષોની તુલનાએ હાલ વિજળીનો વપરાશ વધ્યો ઊર્જા વિભાગ માંગ મુજબ પુરવઠો પુરો પાડી રહ્યો છે.
જેટકોના મેનેજીંગ ડિરેકટર ઉપેન્દ્ર પાંડેએ હાજર મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી ઊર્જામંત્રીના શાસનમાં ચાલી રહેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો.નવા પાયલોટ પ્રોજેકટ અને ગુજરાતમાં ઉર્જાક્ષેત્રની નવી યોજનાઓથી વાકેફ કર્યા હતાં. હાલ વલસાડ જિલ્લામાં કુલ ૬૯ સબ સ્ટેશન કાર્યાન્વિત છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૫ નવા સબ સ્ટેશન કાર્યાન્વિત કરાયા છે. હવે વર્ષ ૨૦૨૫-૨૬ માં વધુ ૮ અને ૨૦૨૬-૨૭ માં નવા ૩ સબ સ્ટેશનનું આયોજન છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં જેટકો સમગ્ર દેશમાં સર્વ શ્રેષ્ઠ ટ્રાન્સમિશન કંપની તરીકે ઉભરી આવી છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મેરિલ લાઇફના સંચાલક અંજુમભાઇ બિલખીયાએ પ્રાસંગિક પ્રવચનમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇની કામગીરીને બિરદાવી વધુ સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતના આખા દરિયા કિનારાને અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવામા આવશે.વાવાઝાડો અને ધરતીકંપ સમયે લોકોને રાહત થશે.આ કાર્યક્રમમાં નાનુભાઇ બાંભરોલિયા,વીઆઇએ પ્રમુખ સતિષ પટેલ, વાપી જિ. સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઇ,વાપી શહેર ભાજપ પ્રમુખ મનિષ દેસાઇ, બરોડા જેટકોના ચીફ એન્જીનીયર પ્રોજેકટ કે. એચ. પટેલ અને અધિક્ષક ઇજનેર એ.જી. પટેલ, જેટકો ભરૂચના એડિશનલ ચીફ એન્જીનીયર મતી પી. ઙી. નાયક, જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર પી. એન. પટેલ કાર્યક્રમમાં હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેટકો વાવના દિપકભાઇ પટેલે કર્યુ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે