સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીને છેલ્લા દસ દિવસથી અજાણ્યો યુવક ફોન અને મેસેજ કરી હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ તું મારી સાથે ફરવા નહીં આવે તો મારી પાસે તારા ફોટો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો એવી છે કે કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીના મોબાઈલ પર ગત તારીખ 1/8/2025 સાંજે સાડા ચાર વાગ્યાથી એક અજાણ્યો યુવક બે અલગ અલગ નંબરથી ફોન કરી હેરાન પરેશાન કરતો હતો. કિશોરીએ તેને ફોન કરવા માટે ના પાડી હોવા છતાં પણ યુવક તેને વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરી પોતાની સાથે ફરવા માટે આવવા માટે દબાણ કરતો હતો. પરંતુ કિશોરીએ તેની વાતને તાબે થઈ ન હતી અને તેનો વિરોધ કરી એક નંબર બ્લોકમાં મૂકી દીધો હતો. જો કે ત્યારબાદ યુવકે બીજા નંબરથી તેને ફોન કરી તેના મેસેજ કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અજાણ્યા યુવકે તેને મેસેજમાં તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા ફોટો મારી પાસે છે જે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જોકે તેમ છતાં પણ કિશોરી તાબે ન થતા અજાણ્યા ઇસમે તેને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે