અમરેલી, 12 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત , ૧૧ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયા
નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજ રોજ અમરેલી જિલ્લામાં મહિલા અને બાળ આરોગ્ય દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ૧૧ તાલુકાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) પર વિશેષ સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયા.
આ કેમ્પોમાં મહિલા દર્દીઓ માટે સ્ત્રી રોગોના નિદાન, તબીબી સલાહ, જરૂરી સારવાર તથા આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ગર્ભવતી માતાઓ, કિશોરીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે વિશેષ આરોગ્ય ચકાસણી સાથે જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું.
જિલ્લાના દરેક તાલુકા આરોગ્ય અધિકારીઓની હાજરીમાં તબીબી ટીમોએ મહિલાઓને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર સમજ આપી. કેમ્પો દરમિયાન પોષણ, સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ પ્રવચનો પણ યોજાયા.
મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના આરોગ્યની તપાસ કરાવી અને આરોગ્ય વિભાગના આ ઉપક્રમે પ્રશંસા મેળવી. નારી વંદન ઉત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમથી જિલ્લામાં મહિલા આરોગ્ય પ્રત્યે જાગૃતિમાં વધારો થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai