અમરેલી, 12 ઓગસ્ટ (હિ.સ.): ચલાલા નગરપાલિકામાં અચાનક બદલાવ સામે આવ્યો છે. પાંચ મહિના પહેલા પ્રમુખ પદ સંભાળનાર નયનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે તેમના પતિ અને પાલિકા પ્રમુખ પ્રતિનિધિ વનરાજભાઈ વાળાએ ખુલાસો કર્યો કે, “છ મહિના પહેલા લોકોએ ભાજપને તમામ 24 બેઠકો અપાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ સભ્યોમાં આંતરકલહને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.”
વનરાજભાઈ વાળાના જણાવ્યા અનુસાર, પાલિકામાં હાલમાં 22 કરોડ રૂપિયાની માતબર રકમ હોવા છતાં સભ્યો વચ્ચે મતભેદ વધ્યા. છેલ્લા પાંચ મહિનામાં સભ્યોના અસંતોષનો સામનો કરવો પડ્યો, જેના પરિણામે નયનાબેન વાળાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો. તેમણે સ્પષ્ટ કર્યું કે, “અમે પાણીના સંપ, બ્લોક રોડ અને બગીચા જેવા વિકાસના પ્રોજેક્ટોના વર્ક ઓર્ડર આપી ચૂક્યા છીએ, જેથી શહેરના વિકાસ કાર્યો અટકી ન જાય.” રાજીનામાની પાછળના કારણો અંગે વનરાજભાઈ વાળાએ કહ્યું કે, પદ પર રહીને સેવા કરતા કરતાં ક્યારેક પરિસ્થિતિમાં પદ છોડવું શહેરના હિતમાં હોય છે. તેમણે ઉમેર્યું કે, “રાજીનામું આપ્યા પછી પણ અમે ચાલાલા નગરના નાગરિકો માટે અડધી રાતે પણ કામ કરવા તૈયાર રહીશું.”
ચલાલા નગરપાલિકામાં આ બદલાવથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. વિકાસના અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા છે, પરંતુ આંતરકલહના કારણે પ્રશાસનાત્મક સ્થિરતા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. હવે પાલિકાના નવા પ્રમુખની પસંદગી અને ભવિષ્યના વિકાસ કામોની ગતિ પર સૌની નજર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai