ચલાલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું
અમરેલી 12 ઓગસ્ટ (હિ.સ.) પાંચ મહિનામાં પદત્યાગ, આંતરિક વિખવાદથી રાજકીય ગરમાવો ચલાલા નગરપાલિકામાં રાજકીય હલચલ સર્જાઈ છે, કારણ કે માત્ર પાંચ મહિના પહેલા પ્રમુખ પદ સંભાળનાર નયનાબેન વનરાજભાઈ વાળાએ અચાનક રાજીનામું આપી દીધું છે. 5 માર્ચે પ્રમુખપદે બિરાજેલા
ચલાલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું


અમરેલી 12 ઓગસ્ટ (હિ.સ.) પાંચ મહિનામાં પદત્યાગ, આંતરિક વિખવાદથી રાજકીય ગરમાવો

ચલાલા નગરપાલિકામાં રાજકીય હલચલ સર્જાઈ છે, કારણ કે માત્ર પાંચ મહિના પહેલા પ્રમુખ પદ સંભાળનાર નયનાબેન વનરાજભાઈ વાળાએ અચાનક રાજીનામું આપી દીધું છે. 5 માર્ચે પ્રમુખપદે બિરાજેલા નયનાબેન વાળાએ અમરેલી જિલ્લા કલેક્ટરને રાજીનામું સોંપ્યું છે. રાજીનામાના પગલે શહેરમાં તેમજ જિલ્લાની રાજકીય ગતિવિધિઓમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચલાલા નગરપાલિકામાં કુલ 24 બેઠકો છે અને તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. છતાં, છેલ્લા કેટલાક સમયથી પાલિકાના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદ ઉગ્ર બન્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, પક્ષના આંતરિક મતભેદ, કાર્યશૈલી પર અસંતોષ અને સહકારના અભાવને કારણે નગરપાલિકા પ્રમુખે પદ છોડવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી ભાજપમાં ચાલી રહેલા આંતરકલહ પર ફરીથી ચર્ચાઓ જોર પકડી રહી છે.

ધારાસભ્ય જે.વી. કાકડિયાના હોમ ટાઉન ચલાલામાં નગરપાલિકા પ્રમુખના રાજીનામાથી રાજકીય ગરમાવો વધ્યો છે. ખાસ કરીને, પાલિકા પ્રમુખના પતિએ સોશિયલ મીડિયા મારફતે રાજીનામાની જાહેરાત કરતાં આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. પક્ષના સૂત્રો માને છે કે રાજીનામું આપવાનું મુખ્ય કારણ આંતરિક ગૂંથણી અને ગૃપબાજી છે, જ્યારે કેટલાક કાર્યકર્તાઓ માને છે કે વિકાસ કાર્યોમાં અવરોધ અને રાજકીય દબાણને કારણે પણ આ પગલું લેવામાં આવ્યું હશે.

આ અચાનક રાજીનામાથી હવે ચલાલા નગરપાલિકામાં નવા પ્રમુખની પસંદગીનો પ્રશ્ન ઊભો થયો છે. આગામી સમયમાં કોણ પ્રમુખ બનશે અને પક્ષ આ વિખવાદને કેવી રીતે સમેટે છે તે જોવાનું રહેશે. રાજીનામાના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમી વધી છે અને સામાન્ય નાગરિકો પણ આ મુદ્દે ઉત્સુકતાપૂર્વક નજર રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande