વડોદરા, 12 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” થીમ હેઠળ વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજને વંદન કરીને કરવામાં આવી અને બાદમાં સમગ્ર પરિસરમાં સ્વચ્છતા માટે કામગીરી હાથ ધરવામાં આવી.
પોલીસ હેડ ક્વાર્ટર ઉપરાંત શહેરના વિવિધ પોલીસ મથકના કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા. તેઓએ પોતાના વિસ્તારમાં કચરો, જૂનો કાગળ, બિનજરૂરી સામગ્રી તથા ઘાસફૂસ દૂર કરવાની કામગીરી કરી. પોલીસ કમિશ્નરે હાજર કર્મચારીઓને સંબોધતા જણાવ્યું કે સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી ન હોવી જોઈએ, પરંતુ તે રોજિંદી જીવનનો અવિભાજ્ય હિસ્સો બનવી જોઈએ. તેમણે જણાવ્યું કે સ્વચ્છ પરિસર માત્ર સૌંદર્ય જ નથી વધારતું, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જરૂરી છે. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન હેઠળ નાગરિકોને પણ પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પોલીસ વિભાગ દ્વારા જાહેર જનતાને સંદેશ આપવામાં આવ્યો કે સ્વતંત્રતા પર્વ માત્ર દેશભક્તિનું પ્રતિક નથી, પરંતુ સામૂહિક જવાબદારીનું પણ પ્રતિબિંબ છે. સ્વચ્છતા દ્વારા સમાજમાં એક સકારાત્મક સંદેશ પ્રસરે છે અને એક સ્વચ્છ અને સુંદર શહેર નિર્માણમાં સૌનો ફાળો રહે છે.
કાર્યક્રમના અંતે તમામ કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ પોતાના કાર્યસ્થળ તેમજ ઘરના આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવશે અને અન્ય લોકોને પણ તેના માટે પ્રેરિત કરશે. વડોદરા પોલીસનું આ પ્રયત્ન માત્ર તિરંગાની શોભા વધારવાનું નહીં પરંતુ શહેરના આરોગ્ય અને સૌંદર્યમાં યોગદાન આપવાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya