પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.): સિદ્ધપુરમાં વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે એલ.એસ. હાઇસ્કુલથી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. જિલ્લા વહીવટી તંત્રના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, બાળકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત હજારો નગરજનો જોડાયા.
યાત્રા દરમિયાન રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ફાળો આપનાર મહાપુરુષોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સમગ્ર માર્ગમાં દેશભક્તિના ગીતોની રજૂઆત સાથે વાતાવરણ દેશપ્રેમના રંગે રંગાયું. પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો પણ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાયા. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ અને વિવિધ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા. રેલીમાં દેશભક્તિનો જુસ્સો અને જનમેદનીનું ઉલ્લાસ સ્પષ્ટ જોવા મળ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર