અમરેલીઓગસ્ટ (હિ.સ.): ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી વરસાદી માહોલમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓ, શહેર પોલીસના જવાનો, અમરેલી જિલ્લા ફાયર જવાનો, શહેરના નાગરિકો, યુવાઓ સહિત વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ સહિત સૌ હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર જોડાયા હતા.
ભવ્ય તિરંગા યાત્રા પૂર્વે અમરેલીની તુન્ની વિદ્યાલય, કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ સહિતની વિદ્યાર્થીનિઓ દ્વારા દેશભક્તિના રંગારંગ સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તિરંગાને સૌએ હવામાં લહેરાવીને એક ભારત-નેક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ પ્રસરાવ્યો હતો. અમરેલીમાં ભવ્ય તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા કર્યા હતા. કાર્યક્રમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. ભારતની આઝાદીની લડાઇમાં અનેક નામી, અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ, અનેક દેશભક્ત નવયુવાઓનો સિંહ ફાળો છે. હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા એ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને વંદન કરવાનો અવસર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai