વડોદરા, 12 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરના વોર્ડ નં-7 વિસ્તારમાં આવેલ કાસમવાળા કબ્રસ્થાન, મન્સૂરી કબ્રસ્થાન અને રોશનનગર વિસ્તારમાં છેલ્લા લગભગ બે મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી હતી. સ્થાનિક રહીશોનું કહેવું છે કે સતત ફરિયાદો કરવા છતાં પાણી સપ્લાયની સમસ્યાનો ઉકેલ લાવવામાં ન આવતા તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. રોજિંદા જીવન માટે પીવાનું પાણી મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પૂરતો અને શુદ્ધ પાણી પુરવઠો ન મળતા પરિસ્થિતિ વિકટ બની ગઈ હતી.
આજ રોજ આ સમસ્યાને લઈને વિસ્તારના નાગરિકો એકત્રિત થયા અને યુથ કોંગ્રેસના નેતાઓની આગેવાની હેઠળ વોર્ડ કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું. આંદોલન દરમિયાન રહેવાસીઓએ પ્રતિકાત્મક રીતે માટલા ફોડી તેમના આક્રોશની અભિવ્યક્તિ કરી. માટલા ફોડવાની આ રીત દ્વારા તેમણે પ્રતિકાત્મક સંદેશ આપ્યો કે પાણી વગર જીવન અસંભવ છે અને આ સ્થિતિ હવે સહનશીલ નથી રહી. પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, જો તાત્કાલિક રીતે પાણી પુરવઠાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે. રહીશોએ પણ ચેતવણી આપી કે, જો પાણીની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળતા મળશે તો તેઓ મહાનગરપાલિકા સામે વિશાળ સ્તરે આંદોલન કરશે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર દ્વારા ફક્ત ખાતરી આપવામાં આવે છે, પરંતુ કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવતા નથી. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવીને લોકોને રાહત મળે તે માટે તેઓ આશાવાદી છે. આજના વિરોધ પ્રદર્શનને કારણે પાણી સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે અને હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલા ઝડપથી પગલાં લે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya