અમરેલી12 ઓગસ્ટ (હિ.સ.) આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત, વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારી તેમજ લોકો ઉમટ્યા, રાષ્ટ્રગીત સાથે સમાપન કરાયું હતું.
સાવરકુંડલા, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરીને, આ યાત્રાએ દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું. સહુએ હાથમાં તિરંગા લઈ, ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશપ્રેમની લાગણી વધુ મજબૂત કરવાનો હતો.
યાત્રાના સમાપન બાદ, સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ સમગ્ર આયોજન સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai