સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનો મોટા વરાછા અબ્રામા રોડ પર ફ્લેટ આવેલો છે. જે ફ્લેટ તેઓએ ભાડે આપ્યો છે. જોકે વેપારીએ પોતાનો ફ્લેટ ખાલી કરવા માટે જણાવતા યુવકે ફ્લેટ ખાલી નહીં કરી મારા ઘરે આવશો તો તમને છેડતી ના ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી અને ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગેરકાયદેસર કબજાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ જૂનાગઢના વતની અને સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભક્તિ નંદન ચોક પાસે સ્કાય લાઈન પર્લ ખાતે રહેતા હિતેશભાઈ પોપટભાઈ પાઘડાર ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનો મોટા વરાછા વિસ્તારમાં યમુના ચોક પાસે યમુના પેલેસમાં બી 105 નંબરનો ફ્લેટ આવેલો છે. આ ફ્લેટ તેઓએ હિરેનભાઈ અમરશીભાઈ અસલાલીયા (મૂળ ગામ ચમાડી, તાલુકો બાબરા, જીલ્લો અમરેલી)ને ભાડેથી આપ્યો છે. જોકે ત્યારબાદ હિતેશભાઈએ ઓક્ટોબર 2022 માં હિરેન અસલાલીયાને ફ્લેટ ખાલી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ જે તે સમયે હિરેનભાઈએ અમારી પાસે હાલ મકાનની સગવડ ન હોવાથી અમોને બે ત્રણ મહિના રહેવા દો અને ત્યાં સુધી સગવડ કરી લઈશું અને જ્યાં સુધી રહીશું ત્યાં સુધીનું ભાડું પણ ભરી દઈશું તેવી ખાતરી આપી હતી. પરંતુ ઓક્ટોબર 2022 થી ભાડું પણ નહીં ભરી અને ફ્લેટ પર પણ ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. ત્યારબાદ હિતેશભાઈ ફરીથી તેમના મકાન ખાલી કરવા માટે જણાવતા હિરેને હવે પછી મારા ઘરે આવશો તો તમને છેડતી ના ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપી ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. જેથી આખરે ભોગ બનનાર હિતેશભાઈએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફ્લેટ પર ગેરકાયદે કબ્જાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે