ભુજ - કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.): હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત દેશભક્તિભર્યા વાતાવરણમાં વિવિધ ગામોમાં તિરંગા યાત્રા, ઘરઘર તિરંગા વિતરણ અને જાહેર સ્થળોએ સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં.
વિવિધ સ્પર્ધાઓનું ગ્રામીણ વિસ્તારોમાં આયોજન
આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છમાં કરવામાં આવ્યું હતું. જેમાં મીરઝાપર, ગોડપર સરલી, પધ્ધર, માધાપર નવાવાસ, સુમરાસર, ભદ્રેશ્વર, ખરોઈ, મંગવાણા, મનફરા સહિતના કચ્છના વિવિધ ગામોમાં સફાઈ ઝુંબેશ અને તિરંગાયાત્રાનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ ઉમંગભેર સહભાગી બન્યાં હતાં. આ સાથે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સામૂહિક કાર્યક્રમોમાં લોકો સ્વયંભૂ સામેલ
તિરંગા યાત્રા અને સફાઈ કામગીરીમાં જિલ્લા, તાલુકા અને ગામ કક્ષાના અગ્રણીઓ, પદાધિકારીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી કાર્યકરો જોડાયા હતા. આ સાથે જ તિરંગા યાત્રામા યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA